ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલ્લાનું હૈદરાબાદમાં શંકાસ્પદ મૃત્યુ

હૈદરાબાદઃ જાણીતાં ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલ્લાએ અત્રેના પોશ વિસ્તાર બંજારા હિલ્સમાં આવેલા એમનાં બુટિક સ્ટુડિયોમાં ગઈ કાલે કથિતપણે આત્મહત્યા કરી. 35 વર્ષીય પ્રત્યુષાનો મૃતદેહ બુટિકનાં બાથરૂમમાં મળી આવ્યો હતો. દરવાજા પર ટકોરા મારવા છતાં પ્રતિસાદ ન મળતાં વોચમેને પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને તપાસ કરતાં પ્રત્યુષા બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. બાથરૂમમાંથી જ કાર્બન મોનોક્સાઈડની એક બોટલ પણ મળી આવી હતી. પોલીસે કેસ નોંધ્યો છે અને મૃતદેહને ઓટોપ્સી માટે ઓસ્માનિયા હોસ્પિટલમાં મોકલી દીધો છે.

પ્રારંભિક તપાસમાં પોલીસે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુનો કેસ ગણાવ્યો હતો, પરંતુ બાદમાં આત્મહત્યાની એક નોંધ પણ મળી આવી હતી. એમણે કથિતપણે એવું લખ્યું હતું કે એકલવાયા જીવનથી પોતે કંટાળી ગયાં હતાં. આ જિંદગી એવી નથી જેવી તેમણે ઈચ્છા રાખી હતી. એમણે વધુમાં એમ પણ લખ્યું હતું કે પોતે એમનાં માતાપિતા પર બોજો બનવા માગતાં નથી અને આ અંતિમ પગલું ભરવાનો પોતાને ખૂબ જ અફસોસ છે. પોલીસને શંકા છે કે પ્રત્યુષાએ ડિપ્રેશનને કારણે આવું અંતિમ પગલું ભર્યું છે.

પ્રત્યુષાએ બોલીવુડની માધુરી દીક્ષિત, જુહી ચાવલા, જેક્લીન ફર્નાન્ડિસ જેવી અભિનેત્રીઓ તથા દક્ષિણ ભારતની ફિલ્મોની પણ ઘણી અભિનેત્રીઓનાં ફેશન ડિઝાઈનર તરીકે કામ કર્યું હતું.