દિવ્યાંગ ચિત્રકારે સોનૂ સૂદને ચિત્ર અર્પણ કર્યું

અમદાવાદઃ કોરોનાની મહામારીમાં લાખો શ્રમિકોએ સ્થળાંતર કર્યું. પોતાના વતન પહોંચવા માટે માર્ગો પર હેરાન પરેશાન થતા શ્રમિકોને ફિલ્મ અભિનેતા સોનૂ સૂદે ખૂબ જ મદદ કરી હતી. શ્રમિકોને લોકડાઉન સમયે એમનાં વતન પહોંચાડવામાં મદદ કરવા બદલ સોનૂને બોલીવુડ તથા અન્ય ભાષાની ફિલ્મો કરતાં પણ વધારે પ્રસિધ્ધિ મળી છે. આવા માનવતાવાદી અભિગમ દાખવનાર કલાકારની અમદાવાદના દિવ્યાંગ ચિત્રકાર ધવલ ખત્રીએ પોતાની આગવી શૈલીમાં કદર કરી છે.

ધવલ ખત્રીએ સોનૂ સૂદનું ચિત્ર દોરી એમને ભેટ આપ્યું છે.

જન્મથી જ નહીં પરંતુ ઈલેક્ટ્રીક શોકના એક અકસ્માતને કારણે પોતાના બંને હાથ ગુમાવનાર ધવલભાઈનો જીવન પ્રત્યેનો જુસ્સો મજબુત છે. મહામુશ્કેલીમાંથી માર્ગ કાઢી મહેનત કરીને તેઓ કલાકાર બન્યા છે. શ્રમિકોને સોનૂએ કરેલી મદદ ધવલને સ્પર્શી ગઈ હતી. એમણે અન્ય કલાકારો અને નામાંકિત હસ્તીઓની જેમ સોનૂ સૂદનું પણ એક અદભુત પેઇન્ટિંગ તૈયાર કર્યું છે.

ધવલ ખત્રીએ ચિત્ર તો તૈયાર કરી દીધું, પરંતુ સોનૂ સૂદ સુધી પહોંચવાનો ક્યાંય મેળ પડતો નહોતો. યોગાનુયોગ સોનૂ સૂદે  તાજેતરમાં અમદાવાદની મુલાકાત લીધી તે વેળાએ ધવલે સોનૂને ચિત્ર આપ્યું હતું.

 

સોનૂ સૂદ સાથેની મુલાકાતને યાદ કરતાં ધવલભાઇ ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘ચિત્ર જોઈને સોનૂ પ્રફુલ્લિત થઇ ગયા હતા. એમણે કહ્યું હું તમારા વિશે જાણું છું અને મારી સાથેની યાદ માટે પોતાના સોશિયલ મીડિયા માટે  વિડિયો ઉતાર્યો હતો. સંકટ સમયે સૌને મદદ કરનાર સોનૂ સૂદને મળવાની મજા પડી. કારણ કે કપરા સમયમાં એમની કામગીરીથી નાનામાં નાના શ્રમજીવીઓના દિલમાં તેઓ વસી ગયા છે.’

– પ્રજ્ઞેશ વ્યાસ