ફાયર-સેફ્ટીનો અભાવઃ AMCની 214 સ્કૂલોને ક્લોઝર નોટિસ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયરે વિભાગે મંગળવારે શહેરમાં 214 સ્કૂલોને ફાયર સેફ્ટીના અભાવે બંધ કરવાની નોટિસ ફટકારી હતી. આ તમામ સ્કૂલોને ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો.  

ગયા સપ્તાહે કોર્પેરેશને 37 સ્કૂલોને આ પ્રકારની નોટિસ આપી હતી. ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા સમયથી આ સ્કૂલોને ફાયર NOC લેવાના નિર્દેશ આપી રહ્યા હતા, પરંતુ સ્કૂલોના સંચાલકો ફાયર સુરક્ષા મુદ્દો ગંભીરતાથી નહોતા લેતા, જેતી અમારે કડક કાર્યવાહી કરવી પડી હતી. જો સ્કૂલો ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ લેવામાં હજી પણ કાર્યવાહી નહીં કરે તો એ સ્કૂલોને સીલ કરવામાં આવશે.  

શહેરની જે 214 સ્કૂલોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે, એમાં મોટે ભાગે શહેરના પૂર્વ વિસ્તારની 59 સ્કૂલો, મધ્ય ઝોનમાં 49 સ્કૂલો અને ઉત્તર ઝોનમાં 32 સ્કૂલો આવેલી છે. આ ઉપરાંત પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલી સ્કૂલોને પણ નોટિસ ફટકારવામાં આવી છે.