ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં સારી ગુણવત્તાયુક્ત ગુજરાતી ફિલ્મો બની છે અને એ સફળ પણ રહી છે. વળી, સારી ગુજરાતી ફિલ્મો જોવામાં લોકોનો રસ પણ વધ્યો છે, જેથી રાજ્યમાં ગુણવત્તાયુક્ત ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવાની માટે રાજ્ય સરકાર સિનેમેટિક ટુરિઝમ પોલિસી રજૂ કરવા ધારે છે. સરકાર આ નીતિ હેઠળ ફિલ્મ, પ્રોડક્શન, ઇવેન્ટ્સની સાથે ટુરિઝમને પ્રોત્સાહન આપતી ફિલ્મોના કુલ ખર્ચમાં 25 ટકા સુધીનું રિબેટ આપે એવી શક્યતા છે. સરકારનો ટુરિઝમ વિભાગ આ નીતિ સાથે ટુરિઝમ ઉદ્યોગને પણ વિકસાવવા ધારે છે.
આમાં ફિલ્મો, OTT પ્લેટફોર્મ, ઓડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટ બનાવતા પ્રોડક્શન્સ હાઉસ સામેલ હશે, જે ગુજરાત પર્યટન અને અન્ય કેટેગરીઓની વચ્ચે મોટાં આયોજનોને પ્રોત્સાહન આપે છે.
ટુરિઝમ વિભાગ આ માટે પહેલાં મુખ્ય મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓની સાથે નીતિ અને રૂપરેખા શેર કરી ચૂક્યો છે, એમ ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. વળી, રાજ્ય સરકાર સિનેમેટિક ટુરિઝમ પોલિસી લોન્ચ કરતી વખતે બોલીવૂડ એક્ટર અજય દેવગનને આમંત્રિત કરે એવી શક્યતા છે.
જોકે તેમણે કહ્યું હતું કે આ વળતરનો લાભ લેવા માટે ફિલ્મ સિટીમાં કમસે કમ 30 એકર જમીન અને રૂ. 100 કરોડનું મૂડીરોકાણ જરૂરી છે. જ્યારે ફિલ્મ અને ટેલિવિઝન સ્ટુડિયો 10 એકરમાં અને રૂ. 50 કરોડનું મૂડીરોકાણ જરૂરી છે. આ ઉપરાંત ફિલ્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન કામ અને સિરિયલ માટે પાંચ એકર જમીન અને રૂ. 25 કરોડનું મૂડીરોકાણ જરૂરી છે. સરકારની નવી નીતિ જાહેર કરવા પાછળનો હેતુ રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો અને સંબંધિત ક્ષેત્રોમાં રોજગારી ઊભી કરવાનો છે, એમ તેમણે કહ્યું હતું.