પ્રમુખસ્વામી મહારાજના 98માં જન્મમહોત્સવની 10 દિવસીય ઉજવણી શરુ, સીએમે કરાવ્યો પ્રારંભ

રાજકોટ– બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના અક્ષર નિવાસી વડા પ્રમુખ સ્વામી મહારાજના ૯૮ના જન્મમહોત્સવની રાજકોટમાં થનારી ૧૦ દિવસીય ઉજવણીનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. આ ધર્મ મહોત્સવ નિમિત્તે રાજકોટ નજીક ઊભા કરવામાં આવેલા સ્વામિનારાયણ નગરને  બીએપીએસ સંસ્થાના વર્તમાન વડા મહંત સ્વામી સાથે મુખ્યપ્રધાને ખુલ્લુ મૂક્યું હતું.

મુખ્યપ્રધાને આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાતને સંસ્કારિતા, વ્યસન મુક્તિનો રાહ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતોએ બતાવ્યો છે અને ગુજરાતના વિકાસમાં આવા સંતોનું યોગદાન મહત્વનું છે. રાજકોટ શહેરના સદ્દભાગ્ય છે કે આવો પવિત્ર મહોત્સવ અહીં ઉજવાઇ રહ્યો છે અને આ બાબતનો રાજકોટના જ નાગરિક તરીકે મને આનંદ થાય છે. રાજકોટ ઉપર પ્રમુખ સ્વામીના આશીર્વાદ હતા. આજે તેઓ સદેહે હાજર તો નથી, છતાં પણ તેમના અલૌકિક આશીર્વાદ હંમેશા આપણી સાથે છે.તેમણે જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયે સમગ્ર ગુજરાતમાં સામાજિક અને આધ્યાત્મિક ચેતનાઓ સંચાર કર્યો છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા દ્વારા વ્યસનમુક્તિ, કુટેવ અને કુરિવાજોના ત્યાગ માટે અભિયાન ચલાવી સામાજિક સુધારણાની જ્યોતની આગેવાની લીધી છે. આજે પણ ગુણીજનોના નિર્માણ અને માનવતાના કાર્યોમાં બીએપીએસ અગ્રેસર છે. આ સંસ્થા દ્વારા થતાં કાર્યો નાનામોટા સૌ માટે પ્રેરણાદાયક છે. બીએપીએસના અનેક સંતો પોતાના ઘરબાર ત્યજી સેવા થકી ઈશ્વર પ્રાપ્તિના ઉદ્દાત માર્ગ પર ચાલે છે, એ સરાહનીય કાર્ય છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.બીએપીએસ સંસ્થા બીજાના આંસુ લૂછવાનું કાર્ય કરે છે. બીજાના સુખે સુખી અને બીજાના દુઃખીનો ભાવ તેની સમગ્ર સેવાપ્રવૃત્તિમાં સમાયેલો છે તેની સેવાની જ્યોત માત્ર ભારતમાં જ નહીં, પણ વિશ્વમાં જ્યાં જરૂર હોય ત્યાં પ્રજ્જવલે છે.

મહંત સ્વામીએ કહ્યું કે, પ્રમુખ સ્વામીનું દીર્ઘાયુ આપણને પ્રેરણા અને સદ્દસંદેશ આપે છે. પ્રમુખ સ્વામી મહારાજે જે માર્ગ આપણને સૌને ચિંધ્યો છે, એના પર આપણે સૌ ચાલીએ છીએ. આ મહોત્સવમાં સરકાર અને નાગરિકોને ખૂબ જ સારો સહકાર મળ્યો છે, જે આનંદની વાત છે. ૫૦૦ એકર જમીનમાં ઉભા કરવામાં આવેલા સ્વામિનારાયણ નગરને મહંત સ્વામી અને મુખ્યપ્રધાને ખુલ્યું મૂક્યું હતું અને એ બાદ ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવેલી પ્રમુખ સ્વામી મહારાજની ૩૭ ફૂટ ઊંચી પ્રતિમાને વંદન કર્યા હતા. મંદિરમાં પૂજાઆરતી કરી મુખ્યપ્રધાને મંગલ કામના કરી હતી અને મહંત સ્વામીના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. સંતોએ મુખ્યપ્રધાનનું અભિવાદન કર્યું હતું.મુલાકાતીઓને સદ્દમાર્ગે ચાલવાની પ્રેરણા આપે એવા પ્રદર્શન ખંડો અહીં ગોઠવવામાં આવ્યા છે. તેની પણ મુખ્યપ્રધાને મુલાકાત લીધી હતી અને ટૂંકી ફિલ્મ નિહાળી હતી. આ વેળાએ ડોકટર સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, અપૂર્વમૂની સ્વામી, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, કમલેશભાઇ મીરાણી, નીતિનભાઇ ભારદ્વાજ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.