મરાઠા સમુદાયને અનામતઃ મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને મુંબઈ હાઈકોર્ટમાં પડકાર

મુંબઈ – મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયનાં લોકોને સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા અનામતનો લાભનો આપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોર્ટે આની સુનાવણી 10 ડિસેંબરે કરવાનું નક્કી કર્યું છે.

આ પીટિશન એડવોકેટ ગુણરતન સદાવર્તેએ અરજદાર જયશ્રી પાટીલ વતી નોંધાવી છે.

પોતાની પીટિશનમાં, પાટીલે એવો દાવો કર્યો છે કે મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય સુપ્રીમ કોર્ટના આદેશોના ઉલ્લંઘન સમાન છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોઈ પણ રાજ્યમાં અનામતની ટકાવારી 50 ટકાના આંકથી વધવી ન જોઈએ.

દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે પણ મુંબઈ હાઈકોર્ટમાં કેવીએટ પીટિશન ફાઈલ કરી છે. એને ધારણા હતી જ કે કોઈક તેના આ નિર્ણયને કોર્ટમાં પડકારશે. કેવીએટ પીટિશનનો અર્થ એ થાય કે કોર્ટ અરજદારની દલીલ સાંભળીને એની તરફેણમાં નિર્ણય આપી ન શકે, એણે બંને પક્ષની વાત સાંભળવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાએ ગઈ 29 નવેમ્બરે એક ખરડો પાસ કરી દીધો હતો અને સરકારી નોકરીઓ અને શાળા-કોલેજોમાં 16 ટકા બેઠકો અનામત મરાઠા સમાજ માટે અનામત રાખવાને મંજૂરી આપી દીધી હતી. મરાઠા સમાજને આ અનામતનો લાભ સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ કેટેગરી (SEBC) હેઠળ આપવામાં આવ્યો છે.

આ 16 ટકા ક્વોટા અન્ય જૂથો માટે નક્કી કરાયેલા હાલના 52 ટકાના અનામતના આંકથી વધુ છે. આ બંનેનો સરવાળો કરીએ તો મહારાષ્ટ્રમાં અનામતની કુલ ટકાવારી 68 ટકા થાય છે.

આ ખરડાને વિધાનસભામાં મંજૂરી આપી દેવામાં આવી છે અને મહારાષ્ટ્રના ગવર્નરે પણ 30 નવેંબરે એની પર સહી કરી દીધી છે.

મહારાષ્ટ્ર સરકારે ગયા વર્ષના જૂનમાં, મહારાષ્ટ્રના પછાત વર્ગ પંચને જણાવ્યું હતું કે તે મરાઠા સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક દરજ્જાનો અભ્યાસ કરે અને સરકારને ભલામણ કરે.

પંચે સરકારને ગયા મહિને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.