‘સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ’માં PM મોદી-શાહની હાજરી

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરમાં ‘સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ’માં પહોંચ્યા હતા. અહીં તેઓ ‘સહકાર સે સમૃદ્ધિ’ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધન કરશે. તેમણે કલોલમાં ઇફ્કો નિર્મિત નેનો યુરિયા (લિકિવડ) પ્લાન્ટનું ઉદઘાટન પણ કર્યું હતું. આ પ્લાન્ટનું ડિજિટલ લોન્ચિંગ કર્યા પછી તેમણે જણાવ્યું હતું કે દેશમાં નેનો યુરિયાના આવા આઠ નવા પ્લાન્ટ બનશે.

ગુજરાત સહકારી આંદોલનનું દેશમા સફળ મોડેલ માનવામાં આવે છે. સ્વાવલંબી અને સ્વદેશી આ બે આધારો પર સહકાર ક્ષેત્રની શરૂઆત થઈ છે. સરદાર અને ત્રિભુવન પટેલે રોપેલ બીજ આજે વટવૃક્ષ બન્યું છે, એમ કહેતાં ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે આજે નેનો યુરિયા પ્લાંટની શરૂઆત થઈ છે. મોદી સરકારમાં સહકાર મંત્રાલયની રચના થઈ છે. ગુજરાતમાં સહકાર મોડલ સફળ રહ્યું છે. જ્યારથી સહકારી ક્ષેત્રે જોડાયા ત્યારથી અલગ વિભાગની માગ હતી. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ અલગ મંત્રાલયની રચના થઈ છે.

આ કાર્યક્રમમાં ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સી. આર. પટેલ સહિત અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાનનું પુષ્પગુચ્છ આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું.

ગુજરાતમાં ૭૮,૪૩૨ રજિસ્ટર્ડ સહકારી સમિતિઓ છે. ૧૮ શેડ્યુલ્ડ બેન્ક અને ૨૨૬ અનશેડ્યુલ્ડ બેન્ક છે. ૨૬ જિલ્લા અને ૨૫ તાલુકામાં ફેલાયેલી ૨૨૪ APMC બજાર અને ૧૧૬ APMC યાર્ડ છે. ૨૬ દૂધ આધારિત ડેરીઓ છે. તેમા ૧૮ અમૂલના નેતૃત્વવાળી ગુજરાત સહકારી દૂધના વિતરણ સાથે જોડાયેલી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનાસ અને સાબર ડેરીઓ છે. આ કાર્યક્રમમાં 7000થી વધુ સભ્યો હાજર રહ્યા હતા.