સુપ્રીમમાં 100-વર્ષથી જૂની મસ્જિદોના સર્વેની અરજી કરાઈ

નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માગ કરવામાં આવી છે કે દેશની 100 વર્ષથી પણ જૂની બધી મુખ્ય મસ્જિદોનો સર્વે કરાવવામાં આવે. આ માટે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ને આદેશ આપવામાં આવે. આ જનહિત અરજી દિલ્હી-NCRના વકીલ શુભમ અવસ્થી અને સપ્તર્ષિ મિશ્રા દ્વારા દાખલ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ઐતિહાસિક પુરાવાનો દાવો કરતાં કહેવામાં આવ્યું છે કે એવા કેટલાય પુરાવા છે, જેમાં મુસ્લિમ આક્રમણખોરોએ મંદિરોને તોડીને મસ્જિદ બનાવવામાં આવે. આવામાં સરકાર ખાનગી રીતે સર્વે કરાવે તો ઘણા પુરાવા સામે આવી શકે એમ છે.

આ સર્વેથી એ માલૂમ કરી શકાશે કે હિન્દુ, શીખ, જૈન કે બૌદ્ધ માટેનું એ ધાર્મિક સ્થળ તો નહોતુંને? વળી, આ સર્વેને ખાનગી રીતે કરવા માગ કરવામાં આવી છે, જેથી કોઈ પુરાવા મળે તો સાંપ્રદાયિક વૈમન્સ્ય અને ધાર્મિક ભાવનાને ઠેસ ના પહોંચે.

આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મધ્ય કાળમાં મુસ્લિમ આક્રમણકારોએ કેટલાય હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ મંદિરોને અપવિત્ર કર્યાં છે અને એમને ધ્વસ્ત કરીને મસ્જિદોનું નિર્માણ કર્યું છે. આવી મસ્જિદોમાં અનેક પૂજા સ્થળોમાં અનેક દેવી-દેવતાઓના અવશેષ મળશે, જે અન્ય ધર્મોના હશે. જેથી એમને પરત લેવા માટે પગલાં લેવામાં આવે.