ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ વરસાદે વિરામ લીધો હતો. જે બાદ આજે ફરી રાજ્યમાં વરસાદી કાળા ડિબાંગ વાદળા બંધાયા હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 3.62 ઈંચ, મોરવા હડફ, આહવા સુબિર, ઉચ્છલ, લુણાવાડા અને લીમખેડામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે આજે અમદાવાદમાં વહેલી સવારથી કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે કે બીજી સપ્ટેમ્બરના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે આવતી કાલ એટલે કે ત્રીજી સપ્ટેમ્બરના અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં ભારેથી અતિભારે જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થઈ ચૂક્યો છે. ઓગસ્ટ સુધી રાજ્યમાં 26.62 ઈંચ સાથે સિઝનનો 76.57 ટકા વરસાદ હતો. જ્યારે 27 ઓગસ્ટ સવાર સુધીમાં 34.76 ઈંચ સાથે 100 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યના 16 જિલ્લામાં 100 ટકાથી વધુ જ્યારે 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ઝોન પ્રમાણે કચ્છમાં સૌથી વધુ 116.79 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108.20 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 101.52 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ હવે માત્ર 1.25 ટકા દૂર છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 80 ટકા વરસાદ વરસ્યો છે.