રાષ્ટ્રપતિને હસ્તે ઈ-વિધાનસભાનું લોન્ચિંગઃ ગૃહના કામમાં પારદર્શિતા આવશે

ગાંધીનગરઃ રાજ્ય ઈ-વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને હસ્તે લોન્ચિંગ થયું છે. હવે ગુજરાત વિધાનસભા ડિજિટલ બની ગઈ છે. હવે ગુજરાત વિધાનસભાનું કામ પેપરલેસ થશે. વિધાનસભા ડિજિટલ થવા સાથે વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે.  રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિને સાડી ભેટ કરી સન્માન કર્યું હતું.

રાષ્ટ્રપતિએ આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના કાર્યકાળના બે વર્ષ પૂરાં કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમણે CM ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની સેવા આ રીતે નિરંતર કરતા રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી. તેમણે રાજ્યના ગૌરવશાળી ઇતિહાસ અને પ્રગતિની વાત કરી હતી.

જોકે વિધાનસભા સત્રના પહેલા દિવસે જ વિવાદ થયો હતો. ​​​​વિધાનસભા ગૃહમાં જ્યારે હાજર મહાનુભાવોનું સન્માન ચાલી રહ્યું હતું એ સમયે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને મુખ્ય મંત્રીનું સન્માન કરવા, કોંગ્રેસના શૈલેશ પરમારને સંસદીય મંત્રી રૂષિકેષ પટેલના સન્માન માટે તથા વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, અમિત ચાવડા અને ચૈતર વસાવાએ સન્માન કરવાની ના કહી દીધી હતી.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેપરલેસ ગર્વમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે. જેનાથી આજે ગુજરાત વિધાનસભા પેપરલેસ થઈ રહી છે.

વિધાનસભાના આ ચોમાસુ સત્રમાં અનેક મહત્વના બિલ રજૂ થશે. જેમાં GST સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઈવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ થશે. આ ઉપરાંત ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ગુડ્સ એન્ડ સર્વિસ સુધારા વિધેયક રજૂ થશે. તો ગુજરાત ખેત ઉત્પાદન સુધારા વિધેયક અને OBC અનામત સંબંધિત સુધારા વિધેયક પણ રજૂ થવાના છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત છે. રાજ્યના શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ અને અર્થશાસ્ત્રીઓ પણ હાજર છે.