અમદાવાદઃ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે હવે એક નવા કેજરીવાલ આવી ગયા છે. તેઓ મોદીજીના ભાઈની જેમ છે. તેઓ માદીથી કાંઈ કમ નથી. અરે ભાઈ, હજી તો માત્ર પંજાબ જીત્યા છો. એનાં કંઈક કારણ રહ્યાં હશે. તમે આટલા ઘમંડ, કેફમાં આવી ગયા છો કે અત્યારથી દેશને નંબર વન બનાવવાની વાતો કરી રહ્યા છો, તેમણે આ વાત અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધતાં કરી હતી.
તેમણે કહ્યું હતું કે કેજરીવાલ જે ભાષા બોલી રહ્યા છે- એ મોદીની સ્ટાઇલ છે. કેજરીવાલે મોટી સંખ્યામાં હાયર કરીને લોકોને લગાવ્યા છે. તેમની પાસે ગુજરાતમાં કાર્યકર્તા નથી. લોકોને હાયર કરીને ચૂંટણીપ્રચાર કરવાનો નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. ખબર નહીં આના માટે નાણાં ક્યાંથી આવી રહ્યા છે? એવો તેમણે સવાલ કર્યો હતો.
રાજસ્થાન ના યશસ્વી મુખ્યમંત્રી અશોક ગહેલોતજી ની પત્રકારવાર્તા https://t.co/DnTDGGdtMx
— Gujarat Congress (@INCGujarat) October 18, 2022
તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર રચાશે તો રાજસ્થાનની તમામ યોજનાઓ ગુજરાતમાં લાગુ કરીશું. રાજસ્થાનની યોજનાઓ આગળ કેજરીવાલ ટકી નહીં શકે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં બ્યુરોક્રસી હાવી છે. ભ્રષ્ટાચાર ચરમસીમા છે. હાલ ગુજરાત કરતાં રાજસ્થાનના રસ્તા સારા છે. તેમણે કહ્યું હતું કે ભાજપ ચૂંટણી જીતી જાય છે, પણ ભાજપની પાસે જે પૈસા છે એનો પક્ષ ઉપયોગ વિધાનસભ્યોને તોડવામાં કરે છે, જેથી એ લોકશાહી માટે જોખમી છે.