PM મોદીનું મિશન ગુજરાતઃ ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન કર્યું

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમણે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022નું ઉદઘાટન કર્યું હતું.  આ વખતે ડિફેન્સ એક્સપોમાં વિશ્વના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતની ઝલક દેખા દેશે. તેમણે 52 વિંગ એર પોર્સ સ્ટેશન ડીસાની આધારશિલા પણ મૂકી હતી. અત્યાર સુધી આપણે જે હથિયારો માટે અન્ય દેશો પર નિર્ભર હતા, એ હવે આપણને દેશમાં મળશે. ડિફેન્સ એક્સપોના ઉદઘાટનના સમયે વડા પ્રધાન મોદીની સાથે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.

વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે સંરક્ષણ ક્ષેત્રે ઝડપથી વધતી ભારતની ઉત્પાદન ક્ષમતાઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ દેશનો એવો પહેલો ડિફેન્સ એક્સપો છે, જેમાં માત્ર ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહી છે. આ ડિફેન્સ એક્સપો માત્ર મેડ ઇન ઇન્ડિયા સંરક્ષણ ઉપકરણો માટે જ છે.  ભારત હાલ 75થી વધુ દેશોને સંરક્ષણનાં સાધનોની નિકાસ કરી રહ્યું છે. દેશની સંરક્ષણ ક્ષેત્રની નિકાસમાં આઠ ટકાનો વધારો થયો છે, એમ તેમણે જણાવ્યું હતું.  https://twitter.com/narendramodi/status/1582596154352553984

તેમણે જણાવ્યું હતું કે  સરકારમાં આવ્ચા બાદ ડીસામાં ઓપરેશનલ બેઝ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આજે આપણી સેનાઓની આ અપેક્ષા પૂરી થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે  હવે તો બનાસકાંઠા-પાટણ જિલ્લાનો સિતારો ચમકી રહ્યો છે, બનાસકાંઠા અને પાટણ દેશ માટે વાયુ શક્તિનું કેન્દ્ર બનશે.

આ સિવાય વડા પ્રધાન મોદી તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતમાં રૂ. 15,000  કરોડનાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. તેમનો આજનો કાર્યક્રમ સવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં DefExpo22નું ઉદઘાટન કરશે. જે બાદ  વડા પ્રધાન અડાલજમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવશે. બપોરે લગભગ 3:15 વાગ્યે તેઓ જૂનાગઢમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. તેઓ સાંજે લગભગ 6 કલાકે રાજકોટમાં ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022 નું ઉદઘાટન કરશે. આ સાથે સાંજે આશરે 7.30 કલાકે રાજકોટમાં આવિષ્કારી બાંધકામ પ્રથાઓના પ્રદર્શનનું પણ ઉદઘાટન કરશે.