સિલ્વાસા (દાદરા અને નગર હવેલી): રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન યોજના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં આ યોજના માટેની 97 ટકાથી વધારે જમીન પ્રાપ્ત કરી લેવામાં આવી છે જ્યારે મહારાષ્ટ્રમાં 30 ટકા જમીન મળી છે. મહારાષ્ટ્રમાં યોજનાની ધીમી ગતિ વિશે પૂછતાં વૈષ્ણવે કહ્યું, અમને આશા છે કે મહારાષ્ટ્ર સરકારમાં કામકાજ ગતિ પકડશે. એ રાજ્યમાં પણ અમને જમીન ચોક્કસપણે મળી જશે. આપણું સમવાયતંત્ર છે. આપણે કોઈની પર જબરદસ્તી કરી શકતા નથી. ગુજરાતમાં થાંભલાઓના નિર્માણથી મહારાષ્ટ્રમાં પણ યોજનાના કાર્યમાં નવી શક્તિનો સંચાર થયો છે. ત્યાં પણ કામ ટૂંક સમયમાં શરૂ થશે.
એક રેલવે અધિકારીએ કહ્યું કે અશ્વિની વૈષ્ણવ બુલેટ ટ્રેન યોજનાની પ્રગતિ પર સતત દેખરેખ રાખે છે. રાજ્ય રેલવે પ્રધાન દર્શના જરદોશે પણ સુરતમાં ચાલી રહેલા કામની સમીક્ષા કરી છે.