ગુજરાતમાં ગરમી બની જીવલેણ

રાજ્યમાં અગનગોળા બની ગરમી વરસી રહી છે. આ વર્ષે ગુજરાતમાં ગરમી સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જ્યાં મહત્મ તાપમાન 45 ડિગ્રી ઉપર જોવા મળી રહ્યું છે. ત્યારે વધતી ગરમી સામે રાજ્યમાં રોગચાળો પણ વધી રહ્યો છે. તો આ સાથે જ રાજ્યમાં હીટવેવના કારણે મૃત્યુનો આંક પણ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં ગરમીનું તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે કેટલાક નિષ્ણાંતો દ્વારા ઘરની બહાર ન જવાની પણ સૂચના આપવામાં આવી છે. હીટવેવથી બચવા વારંવાર પાણી, લીંબુ સરબત પીવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. ગરમીમાં લૂ લાગવા સહિતના કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં સુરતમાં 9, વડોદરામાં 5 અને મોરબી, જામનગર, રાજકોટમાં 1-1ના મોત થયા છે. માત્ર વડોદરામાં જ અત્યાર સુધીમાં ગરમીથી કુલ 23 લોકોના મોત થયા છે. દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધી રહ્યાં છે.

ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. હાલ અમદાવાદની અસારવા સિવિલના હીટ સ્ટ્રોક વોર્ડમાં 5 દર્દી દાખલ છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. તબીબોની સલાહ મુજબ, કામ વગર ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ.

વડોદરામાં હીટવેવના કારણે વધુ 5ના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 23 પર પહોંચ્યો છે. ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વધુ 5ના મોત થયા છે. વડોદરામાં વર્ષ 2016 માં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. સુરતમાં આકરી ગરમીના કારણે ઢળી પડતાં વધુ 9નાં મોત નિપજ્યા છે. ગરમીના કારણે લૂ, ડીહાઇડ્રેજન તેમજ ઝાડા ઉલ્ટીના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સુરત સિવિલમાં 3 અને સ્મીમેર હોસ્પિટલમાં 1 દર્દી લૂને પગલે સારવાર હેઠળ છે.