સ્માર્ટ મીટર મુદ્દે સરકારનો નવો નિર્ણય..

ગરમીના પારા સાથે સ્માર્ટ મીટરના વિરોધમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. વિરોધના વંટોળ વચ્ચે પણ સુરતમાં સ્માર્ટ મીટર લગાડવાનું કામ યથાવત્ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે સરકારે સ્માર્ટ મીટરને લઈ મહત્વના નિર્ણય કર્યા છે.

સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરના વિવાદ વચ્ચે ઉર્જા વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ ન લેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ જૂના પેન્ડિંગ બીલની રકમ અલગથી વસૂલવાનો આદેશ કરાયો છે. સ્માર્ટ મીટર અને સાદા મીટર વચ્ચેના જૂના બિલને લઈ લોકોમાં ગેરસમજ થઈ હોવાનું તારણ બહાર આવતા જૂના પેન્ડિંગ બિલની રકમમાં 180 હપ્તા કરવાનો આદેશ આપ્યો છે. સ્માર્ટ મીટરનાં દરરોજની વપરાશની સાથે રકમ કપાતી હતી. એક-એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ કપાતી હતી. જેનાં કારણે ગ્રાહકોમાં ગેરસમજ ઉભી થઈ હોવાનું તારણ આવ્યું છે.

સ્માર્ટ મીટરનો વિરોધ પહોંચ્યો હાઈકોર્ટમાં

સ્માર્ટ મીટરના મુદ્દો હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. વડોદરાના બાજવાના એક નાગરિકે MGVCLના ડાયરેક્ટર અને ઉર્જા વિભાગના સચિવ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રાહકોનું હિત જોવામાં આવ્યું નથી. સ્માર્ટ મીટરના મેઈલ જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ આપી સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાશે તેમ જણાવ્યું હતું. વધુમાં અરજીકર્તાએ જણાવ્યું કે, દેશની પાર્લામેન્ટમાં ફેબ્રુઆરી 2019થી ફેબ્રુઆરી 2024 સુધીમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના 2006ના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના સુધારા બિલને મંજુરી મળી નથી.