અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોનાવાઈરસના કેસોમાં ધરખમપણે વધારો થયો છે, પરંતુ રાજ્યનાં આરોગ્ય અને કુટુંબકલ્યાણ ખાતાનાં પ્રધાન નિમીષા સુથારે કહ્યું છે કે હાલને તબક્કે રાજ્યમાં શાળાઓ બંધ કરવાની સરકારની કોઈ યોજના નથી. પરિસ્થિતિ જો ગંભીર બનશે તો જ નિર્ણય લેવાશે. રાજ્ય સરકાર કોવિડ-19ના કેસોની વધી ગયેલી સંખ્યાને ધ્યાનમાં લઈને જરૂરી સાવચેતીઓ લઈ રહી છે, પરંતુ જરૂર ન પડે ત્યાં સુધી શાળાઓ બંધ કરવાનો કોઈ પ્લાન નથી. એ વખતે અમે શિક્ષણ મંત્રાલયને પણ વિશ્વાસમાં લઈશું. વડોદરામાં જે બે વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે એમને આઈસોલેશનમાં રખાયા છે. દરેક વિદ્યાર્થીના અભ્યાસ પર માઠી અસર પડવી ન જોઈએ.
ગુજરાતના હેલ્થ બુલેટિન અનુસાર, રાજ્યમાં ગઈ કાલે કોરોનાના 571 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 55 દર્દીઓ સાજાં થયાં છે.