ધાર્મિક-ગ્રંથનો-અનાદરઃ પંજાબમાં 24-કલાકમાં ટોળા દ્વારા બે-જણની હત્યા

ચંડીગઢઃ શીખ સમુદાયના ધાર્મિક ગ્રંથનો અનાદર) કરવાના આરોપસર પંજાબમાં 24 કલાકમાં બે યુવકની રોષે ભરાયેલા ટોળા દ્વારા હત્યા કરવામાં આવી છે. પહેલો બનાવ ગઈ કાલે અમૃતસરના સુવર્ણ મંદિરમાં બન્યો હતો. જ્યારે બીજો બનાવ આજે કપૂરથલાના એક ગુરુદ્વારામાં બન્યો હતો. બંને બનાવમાં, ધાર્મિક ગ્રંથની બેઅદબી કરનાર શખ્સોને રોષે ભરાયેલા લોકોના ટોળાએ મારી નાખ્યા હતા. સુવર્ણ મંદિરમાં બનેલી ઘટના તો સીસીટીવી કેમેરામાં ઝડપાઈ છે. 24-25 વર્ષનો એક શખ્સ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને જ્યાં સુરક્ષિત અવસ્થામાં રાખવામાં આવ્યો છે એ જગ્યાની રેલિંગ કૂદીને ગયો હતો અને તલવાર હાથમાં લીધી હતી. એમ કરીને તેણે પવિત્ર ગ્રંથનો અનાદર કર્યો હતો. એને પકડી લેવામાં આવ્યો હતો. બાદમાં બોલાચાલી થઈ હતી અને એને મારી નાખવામાં આવ્યો હતો. એના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પંજાબ સરકારે બનાવી તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે.

આજે સવારે કપૂરથલાના એક ગુરુદ્વારામાં નિશાન સાહિબ ગ્રંથનો અનાદર કરવાનો એક શખ્સે પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ એને પકડીને ખૂબ માર્યો હતો અને એનું મરણ નિપજાવ્યું હતું. એનો વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. પોલીસની હાજરીમાં જ યુવકને લોકોએ ખૂબ માર્યો હતો અને એનું મરણ થયું હતું. જોકે પોલીસનું કહેવું છે કે તે ધાર્મિક ગ્રંથની બેઅદબીનો મામલો નહોતો, પરંતુ ચોરીનો મામલો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]