મથુરામાં પણ અયોધ્યા-કાશી જેવું ભવ્ય-મંદિર બંધાશેઃ હેમામાલિની

ઈન્દોરઃ ભારતીય જનતા પાર્ટીનાં મથુરાનાં સંસદસભ્ય હેમા માલિનીએ એવી આશા વ્યક્ત કરી છે કે અયોધ્યા અને કાશીની જેમ મથુરામાં પણ કાશી વિશ્વનાથ ધામ જેવું ભવ્ય મંદિર બંધાશે.

ગઈ કાલે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી હેમા માલિનીએ કહ્યું હતું કે રામ જન્મભૂમિ અને કાશીના મંદિરોના જીર્ણોદ્ધાર બાદ કુદરતી રીતે મથુરા પણ એટલું જ મહત્ત્વનું છે. મને કાશીનું આમંત્રણ મળ્યું છે અને હું ત્યાં જવાની છું. મથુરા ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ છે અને ત્યાંની સંસદસભ્ય તરીકે હું કહીશ કે ત્યાં પણ એક ભવ્ય મંદિર બંધાવું જોઈએ. કૃષ્ણ ભગવાનનું મંદિર તો ત્યાં છે જ, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરનો જે રીતે વિકાસ કરાવ્યો છે તેમ મથુરાના મંદિરને પણ સુંદર બનાવી શકાય.