IIT મુંબઈની મદદથી GTUના વિદ્યાર્થીઓને મળશે વર્ચ્યૂઅલ લેબ

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-જીટીયુ સંલગ્ન કૉલેજોના એન્જીનીયરિંગ અને બાયોટેકનોલોજીના વિદ્યાર્થીઓ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી-આઈઆઈટી મુંબઈની મદદથી વર્ચ્યુઅલ લેબ પ્રેક્ટિસનો લાભ લઇ શકશે. તે માટે 25 નોડલ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે. એવા એક સેન્ટરનું ઉદઘાટન જીટીયુના ગાંધીનગર કેમ્પસમાં કરવામાં આવ્યું હતું અને તેમાં 300 પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ લેબ વિશે તાલીમ આપવામાં આવી હતી.

વર્ચ્યુઅલ લેબની જે સેવા ઉપલબ્ધ બનશે તેનો સહુથી વધારે ફાયદો ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોની કૉલેજોના વિદ્યાર્થીઓને થશે. તેઓ શહેરી વિસ્તારોની કૉલેજોની જેમ જ અત્યાધુનિક ઉપકરણો અને આઈઆઈટી સહિતની રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓએ વિકસાવેલા મંચની મદદથી પ્રેકટીકલ જ્ઞાન પ્રાપ્ત કરી શકશે.

આઈઆઈટી મુંબઈના વેબ આધારિત પ્લેટફોર્મ (vlabs.iitb.ac.in)ની મદદથી આ વર્ચ્યુઅલ લેબની સુવિધા ઉપલબ્ધ થશે. આ વ્યવસ્થાનો લાભ ફિઝિકલ સાયન્સ, બાયોમેડિકલ એન્ડ બાયોટેકનોલોજી, ઈલેક્ટ્રીકલ, કેમિકલ, મિકેનીકલ, સિવિલ એન્જી. તેમજ કેમિકલ સાયન્સ અને કૉમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓને મળશે. આવા દરેક સેન્ટરે વર્ષના ઓછામાં ઓછા આઠ હજાર પ્રયોગો કરવા પડશે. સૌપ્રથમ આઠ હજાર પ્રયોગો પૂરા કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય સેન્ટરોને અનુક્રમે રૂ. 15 હજાર, 10 હજાર અને પાંચ હજારના ઈનામો આપવામાં આવશે.

આઈઆઈટી મુંબઈના વર્ચ્યુઅલ લેબ વિભાગના પ્રોજેક્ટ મેનેજર પુષ્પેન્દ્ર મિશ્રાએ આ કન્સેપ્ટની પૂર્વભૂમિકા સમજાવતાં જણાવ્યું કે દેશભરમાં આવી 114 લેબમાં નવ વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ 1200થી વધુ પ્રયોગો સફળતાપૂર્વક કરી ચૂક્યાં છે. હાલમાં 12 વર્ચ્યુઅલ લેબ કાર્યરત છે અને નવી 160 લેબ બનાવવાની દરખાસ્તો છે. વર્ચ્યુઅલ લેબ ત્રણ પ્રકારની રહેશે, જેમાં (1) મોડેલિંગ એન્ડ સિમ્યુલેશન લેબ્સ (ઈન્ટરએક્ટીવ એનિમેશન આધારિત શિક્ષણ), (2) મેઝરમેન્ટ આધારિત લેબ્સ (પ્રયોગોના ડેટા આધારિત શિક્ષણ) અને (3) રિમોટ ટ્રીગર્ડ લેબ્સ (દૂર રહેલા ઉપકરણોનું ઈન્ટરનેટથી શિક્ષણ)નો સમાવેશ થાય છે.

વર્ચ્યુઅલ લેબના નોડલ સેન્ટરો માટે જીટીયુએ પસંદ કરેલી 25 કૉલેજોમાં એલ.ડી. એન્જીનીયરિંગ કૉલેજ, સાલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરિંગ રીસર્ચ, સિલ્વર ઓક કૉલેજ ઑફ એન્જીનીયરિંગ એન્ડ ટેકનોલોજી તેમ જ વિવિધ સરકારી ઈજનેરી કૉલેજો અને પોલિટેકનિક કૉલેજોનો સમાવેશ થાય છે.

વર્ચ્યુઅલ લેબોરેટરીના વિવિધ ફાયદાઓ

  • વર્ચ્યૂઅલ લેબમાં પ્રયોગો કરવા માટે સંસ્થામાં, નોડલ સેન્ટરમાં કોઇ જ પ્રકારના વધારાની માળખાકીય સુવિધાની જરુર રહેતી નથી.
  • વર્ચ્યૂઅલ લેબમાં પ્રયોગો કરવા માટે વિદ્યાર્થીને ફક્ત ઈન્ટરનેટની ફેસિલિટી ધરાવતા એક કોમ્પ્યૂટરની જ જરુરિયાત રહે છે.
  • ઘણી સંસ્થાઓમાં જરુરી સોફિસ્ટિકેટેડ સાધનોના અભાવથી વિદ્યાર્થીઓ પ્રયોગો કરી શકતા નથી, ત્યાં વર્ચ્યુઅલ લેબ ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે.
  • વર્ચ્યૂઅલ લેબથી વિદ્યાર્થીઓ વિવિધ લેબોરેટરીઓનો રીમોટ એક્સેસથી ઉપયોગ કરી શકશે તથા સાયન્સ અને એન્જીનીયરિંગના વિવિધ પ્રયોગો કરી શકશે.
  • ફિઝિકલ લેબ ન હોય ત્યાં વર્ચ્યૂઅલ લેબ ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો વિવિધ પ્રયોગો ગમે ત્યારે, ગમે તે જગ્યાએથી કરી શકશે.
  • વર્ચ્યુઅલ લેબમાં વિવિધ સુવિધાઓ જેવી કે વેબ-રીસોર્સિસ, વિડીયો લેકચર્સ, એનિમેટેડ ડેમોન્સ્ટ્રેશન અને સેલ્ફ ઈવેલ્યુએશન ઉપલબ્ધ થશે.
  • વર્ચ્યુઅલ લેબના માધ્યમથી પ્રયોગો કરવાથી વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિમાં વધારો થશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]