IPLના આક્રમણ સામે કોમનવેલ્થ ગેમ્સનું સોનું…

ચારે બાજુથી અણગમતા સમાચાર આવી રહ્યાં છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટથી સોનેરી સમાચાર આવી રહ્યાં છે. કેટલાનું ધ્યાન તેના તરફ ગયું છે? મોટા ભાગના લોકોનું ધ્યાન ખેંચાયું હશે, કેમ કે માધ્યમોમાં પણ ગોલ્ડ કોસ્ટ ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને એક પછી એક મળી રહેલાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલની ચર્ચા છે. ભારતને ત્રીજું સ્થાન મળ્યું છે, સુવર્ણચંદ્રકોની સંખ્યાને કારણે.

વિનેશ ફોગાટઃ મહિલાઓની ફ્રીસ્ટાઈલ કુસ્તી, 50 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ વિજેતા

જોકે આ કોમનવેલ્થ દેશો વચ્ચેનો રમતોત્સવ છે. મર્યાદિત દેશો વચ્ચે. એક જમાનામાં બ્રિટનનો તાજ જ્યાં તપતો હતો, તે દેશોનું સંગઠન એટલે કોમનવેલ્થ – રાષ્ટ્રકૂળ. હવે રાષ્ટ્રકૂળની જરૂર છે કે નહીં, તે જુદી વાત છે, પણ ભારતની અહિંસક ક્રાંતિના કારણે બ્રિટિશરોને સલામત દેશ છોડી જવાની તક મળી હતી. ભારતને આઝાદી આપ્યા પછી બીજા રાષ્ટ્રો પણ બ્રિટીશરોએ છોડી દેવા પડ્યાં હતાં. તે દેશો વચ્ચે એક કડી જળવાઈ રહે તે માટે કોમનવેલ્થ ગેમ્સ રમાતી રહે છે.ભારતે ભૂતકાળમાં પણ સારો દેખાવ કર્યો હતો અને આ વખતે વધારે સારો દેખાવ કર્યો છે. તેની સામે આઈપીએલ પણ ધૂમ મચાવી રહી છે. આઈપીએલ જોનારાની સંખ્યા વધી જશે. પણ એક તરફ કોમનવેલ્થમાં એક સુવર્ણચંદ્રક મળે અને ખેલપ્રેમીઓને ખુશી જાય, જ્યારે બીજી બાજુ આઈપીએલની એક મેચમાં રોમાંચક મુકાબલો થાય એટલે સટ્ટો અને સેટિંગ યાદ આવી જાય.

આઈપીએલ એક મોટું જુગારખાનું બની ગયેલું છે. ચિટિંગ, સેટિંગ, સટ્ટો, રાતની પાર્ટીમાં દારૂ પીને છાકટા થવું અને સોફિસ્ટિકેટેડ વેશ્યાવૃત્તિ એ આઈપીએલની ઓળખ બની છે. જુગાર વૃત્તિના લોકોને બહુ મજા પડી ગઈ છે. દરેક વાતમાં બેટિંગ કરતાં અને દિવસના બે કલાક કામ કરીને અઢળક કમાઈ લેતાં કમઅક્કલ લોકો માટે ટાઇમપાસ કરવાનું આ ઓનલાઈન અને ફોનલાઈનવાળું કેસિનો થઈ ગયું છે.

લોકોનો વિશ્વાસ કેટલો ઊઠી ગયો છે તે જુઓ. મુંબઈ અને હૈદરાબાદની ટીમ વચ્ચે મુકાબલો હતો. મુંબઈની ટીમનો પહેલો દાવ હતો. પ્રથમ બેટિંગ કરતાં મુંબઈની ટીમ 147 રનમાં આઉટ થઈ ગઈ. સ્વાભાવિક છે કે મુંબઈ હારી જશે એવો સટ્ટો અનેક લોકોએ લગાવી દીધો હોય. અહીં કમાણીની મોટી તક હતી. અણધારી રીતે મુંબઈની રીતે હારી જાય તો બેટિંગ રમાડનારાને બખ્ખાં થઈ જાય.થયું પણ કંઈક એવું. હૈદરાબાદ ટીમની શરૂઆત પણ સારી રહી. હાલમાં ફોર્મમાં રહેલા શિખર ધવને ફટકાબાજી શરૂ કરી. એવું લાગતું હતું કે સહેલાઈથી હૈદરાબાદની ટીમ જીતી જશે. સટ્ટો ના રમનારા અને માત્ર ઉત્તેજના ખાતર ક્રિકેટ જોનારા કેટલાકે ચેનલ બદલી પણ નાખી. તેના બદલે ન્યૂઝચેનલોના ન્યૂઝરૂમમાં વધુ ઉત્તેજક ચર્ચા થતી હતી, તેની સસ્તી થ્રીલ માટે ત્યાં જતાં રહ્યાં. દરમિયાન મુકાબલો આ બાજુ રોમાંચક બનવા લાગ્યો. ધવન તો આઉટ થયો, પણ દર ઓવરે, દર બોલ પર રમાતો પેલો કેવો સટ્ટો – જે હોય તે – તેવો સટ્ટો જામ્યો હોય તેમ એક પછી એક બેટ્સમેન આઉટ થવા લાગ્યા. છેલ્લે 11મો ખેલાડી મેદાનમાં આવી ગયો.

હવે વિચારો ટીઆરપી કેટલી વધી જાય અને બેટિંગ લેનારાની ફોન લાઈનો ધણધણી ઊઠે. એક બોલ, એક વિકેટ ને ખેલ ખતમ. એક બોલ, એક ચોગ્ગો, એક છગ્ગો અને ખેલ નેક્સ્ટ બોલ પર. ફરી એક બોલ, એક વિકેટ ને ખેલ ખતમ. હારી જનારી મુંબઈ ટીમ આખરે જીતી ગઈ. અનેક લોકોએ ટીવીના રિમોટ પછાડ્યાં કે મેચ ફિક્સ થઈ હતી.

હવે એ વાત પણ સાચી છે કે ક્રિકેટની રમતમાં અનિર્ણાયકતા તેને રોમાંચ આપે છે. ક્રિકેટમાં ગમે તે ઘડીએ બાજી પલટાઈ જાય. કપિલ દેવ 175 કરી નાખે ને ભારત વર્લ્ડ ચેમ્પિયન પણ બની જાય. તેને રમતનો ચાર્મ કહેવાતો હતો. કોઈએ એવું નહોતું કહ્યું કે સટ્ટો ખેલાઈ ગયો અને ભારતને જીતાડવા માટે સેટિંગ થઈ ગયું હતું.

ક્રિકેટનું આ પતન કેટલું છે તે એક નમૂનો છે. કોઇ પણ વસ્તુનું વેપારીકરણ થાય ત્યારે અધઃપતન થાય છે. જેનો રાજા વેપારી, તેની પ્રજા ભીખારી. આ જૂની કહેવતને ઔદ્યોગિક ક્રાંતિ પછી સતત ખોટી પાડવામાં આવી છે. જેની સરકાર વેપારી, તેની પ્રગતિ ઘણી. દરેક બાબતમાં કમર્શ્યલાઇઝેશન કરી નાખો, સ્પર્ધા નાખો, બજારને મુક્ત કરી દો. મુક્ત રીતે નાણું વહેતું રહેશે અને પ્રગતિ થશે.

આ વાત સાચી પણ લાગે છે. પણ ખરેખર કેટલી સાચી? અને વિકલ્પ છે જ નહીં? સ્પોર્ટ્સ દુનિયાનું બહુ મોટો ધંધો બની ગયો છે. ફૂટબોલ, ટેનિસ, મુક્કાબાજી, ગોલ્ફ કરોડો નહીં, અબજોનો ખેલ છે. ક્રિકેટ આપણા માટે અબજોનો ખેલ છે. ક્રિકેટનો પાંચ વર્ષનો ટીવી પ્રસારણનો કોન્ટ્રેક્ટ સાડા છ હજાર કરોડ રૂપિયામાં વેચાયો છે. ધોની અને કોહલી એક મેચ રમે અને 60 લાખ કમાઈ લે અને બાકીના 40 લાખ એડ કરીને કમાણી કરી લે. એક કરોડની કમાણી, પણ ક્યાં જઈને સમાણી?

શિક્ષણમાં ખાનગીકરણને કારણે શાળાઓ વધી ગઈ છે અને એડમિશનનો પ્રશ્ન પહેલા જેવો રહ્યો નથી. તમે તમારા દીકરાને એન્જિનિયર બનાવી શકો છો. પછી નોકરી ના મળે તે જુદી વાત છે, પણ એન્જિનિયર ડિગ્રીની ફેક્ટરી ધમધમતી રહે છે અને તમે સંતોષ લઈ શકો કે તમે તમારા સંતાનને સ્પર્ધામાં ઊભો રાખવા પૂરતી મહેનત કરી. હવે રેસમાં જીતે ત્યારે તેના નસીબ.

રમતગમતમાં મળતો આનંદ સૌથી નિર્ભેળ આનંદ હતો. મનુષ્યની આ એક એવી પ્રવૃત્તિ છે, જે તેને શારીરિક અને માનસિક બંને આનંદ એક સાથે આપી શકે છે. મનુષ્યની ક્ષમતાની પરાકાષ્ઠા પણ સ્પોર્ટ્સમાં પ્રાપ્ત થાય છે. ખુદ રમીને આનંદ લઈ શકીએ છીએ, બીજાને રમતા જોઈને ખુશ થઈ શકીએ છીએ. ગળાકાપ સ્પર્ધામાં ખરેખર કોઈનું ગળું કાપ્યા વિના દુશ્મનને પછાડી દીધાનો આનંદ મળે છે. ગીત, સંગીત જેવી કળા પણ મનુષ્યની અન્ય પ્રકારની ક્ષમતાને પરાકાષ્ઠા પર લઈ જવાનું માધ્યમ છે, પણ તેમાં સ્પોર્ટ્સ કક્ષાની શારીરિક કસરત નથી થતી. દરેક વ્યક્તિ ગીત ના ખાઈ જશે, પણ દરેક વ્યક્તિ થપ્પો અચૂક રમી શકે.

શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે રમતગમત અને માનસિક તથા ભાવનાત્મક, આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે શિક્ષણ આ બંનેને ખાનગીકરણની ખરાબીમાંથી મુક્ત રાખવા જોઈએ. વિકલ્પો વિચારવા જોઈએ. વિચારવા લાગો, તમે પણ વિચારવંત મનુષ્ય બની શકો છો, જો ચોપાટ અને ચેસ અને નવ કુકરી રમતા હશો તો.