ઘોઘા-દહેજ રો-રો ફેરીથી પેટ્રોલ, ડીઝલની નોંધપાત્ર બચતઃ PM

ભાવનગરઃ વડા પ્રધાન મોદી સુરતમાં સભા પૂરી કર્યા પછી ભાવનગરમાં પહોંચ્યા છે. તેઓ ભાવનગરમાં આશરે સવા કલાક રોકાશે. તેઓ ભાવનગરમાં રૂ. 817 કરોડથી વધુનાં કાર્યોનું લોકાર્પણ કરશે અને એ પછી તેઓ રૂ. 6500 કરોડના CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. લોકો તેમના કાફલા પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે.  

તેમણે  શહેરમાં ભવ્ય રોડ શો કર્યો હતો, ત્યાર બાદ તેમણે જાહેર સભાને સંબોધી હતી. તેમણે ભાવનગરવાસીઓને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાવનગરની મારે ક્ષમા માગવી છે, કેમ કે અહીં હું કેટલાંય વર્ષ પછી આવ્યો છું. દેશ જ્યારે આઝાદીનાં 75 વર્ષ પૂરાં કરી રહ્યો છે ત્યારે ભાવનગરની સ્થાપનાનાં 300 વર્ષ પૂરાં કર્યાં છે. તેમણે કહ્યું હતું કે વેળાવદર નેશનલ પાર્કમાં ઇકો ટુરિઝમનો લાભ મળશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 300 વર્ષના આ પ્રવાસમાં ભાવનગરે સતત વિકાસ કર્યો છે. આ શહેરે સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખ બનાવી છે. ભાવનગર દરિયાકિનારે આવેલો જિલ્લો છે. રાજ્યમાં દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે. પરંતુ આઝાદી પછીના દાયકાઓમાં દરિયાકાંઠાના વિકાસ તરફ ધ્યાન આપવામાં ન આવતાં આ વિશાળ દરિયાકિનારો લોકો માટે એક પ્રકારનો મોટો પડકાર બની ગયો હતો.  ભાવનગરનો આ પોર્ટ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવશે અને રોજગારીના સેંકડો નવા અવસર અહીં બનશે. અહીં ભંડારણ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સાથે જોડાયેલા વેપાર-ધંધાનો વિસ્તાર વધશે. 

તેમણે કહ્યું હતું કે ધોલેરામાં જે સેમિકન્ડટર ક્ષેત્રે મૂડીરોકાણ આવી રહ્યું છે, એનો લાભ ભાવનગરને મળશે. આ ક્ષેત્રે રૂ. 1.50 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે.​​​​​​​તેમણે કહ્યું હતું કે  રાજ્યમાં અમે અનેક પોર્ટ વિકસિત કર્યા છે. રાજ્યના તટીય ક્ષેત્રમાં અનેક પાવરપ્લાન્ટ છે. ગુજરાત દેશને ઉર્જા પહોંચાડે છે. અમે સૌરાષ્ટ્રને ઊર્જાનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કર્યો છે. ઘોઘા-દહેજ રો-રો ફેરી શરૂ કરીને લોકોની મુશ્કેલીઓ દૂર કરી છે. રો-રો ફેરીથી 40 લાખ લિટર પેટ્રોલ-ડીઝલની બચત થઈ છે. લોથલ જેવું સૌથી જૂનું પોર્ટ ગુજરાતમાં છે. ત્યારે લોથલમાં મેરી ટાઇમ મ્યુઝિયમ બની રહ્યું છે.