‘પપ્પા એક વાર્તા કરો ને’ વાર્તાસંગ્રહની હિંદી, અંગ્રેજી આવૃૃત્તિનું વિમોચન

મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયના પ્રાંગણમાં “ચાલો કરીએ ગોષ્ઠિ” કાર્યક્રમનું ગયા મંગળવારે આયોજન કરવામાં આવ્યું હતું. તે અવસરે મૂળ લેખક  હેમંત કારિયા લિખિત બાળવાર્તા “પપ્પા એક વાર્તા કરો ને”નો સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયનાં આચાર્યા ડૉ.સંગીતા શ્રીવાસ્તવ દ્વારા અનુવાદિત બાળવાર્તા સંગ્રહ હિંદીમાં “पापा, एक कहानी सुनाओना” અને “Tell me a story, Papa”ની વિમોચનવિધિ સુપ્રસિધ્ધ સાહિત્યકાર ડો. દિનકર જોષીના શુભહસ્તે કરવામાં આવી હતી. આચાર્ય ડો. સંગીતા શ્રીવાસ્તવે મૂળ કૃતિ, અનુવાદિત હિન્દી અને અંગ્રેજી વાર્તાનું પઠન કર્યું હતું. હેમંત કારિયાએ પોતાના વક્તવ્યમાં આ વાર્તાઓ લખવાની શરુઆત કેવી રીતે થઈ તેની રસપ્રદ વાતો કરી હતી અને બાળકોને વાંચનનું મહત્વ સમજાવ્યું હતું.

‘પપ્પા એક વાર્તા કરો ને’ની હિંદી અને અંગ્રેજી આવૃતિનું વિમોચન કરતા ડો.દિનકર જોષી. સાથે છે મૂળ લેખક હેમંત કારિયા, હિમાંશુ પ્રેમ, ડો. સંગીતા શ્રીવાસ્તવ, એ.બી. મહેતા, વસંત શાહ.

કાર્યક્રમના અતિથિ પર્યાવરણ પ્રેમી હિમાંશુ પ્રેમે પણ બાળકો સમક્ષ પોતાના કાવ્યનું પઠન કર્યું હતું. પશુ, પ્રાણીઓ કારણ વિના કોઈને પણ હાનિ પહોંચાડતા નથી એમ તેમણે જણાવ્યું હતું. તેમ જ  ભવન્સ કોલેજના કેમ્પસમાં આવેલા ભવન્સ નેચર ક્લબ વિશેની માહિતી પણ આપી હતી.

“ચાલો કરીએ ગોષ્ઠિ”માં લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર ડો. દિનકર જોષી રચિત કૃતિ, મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક ગુજરાતી પ્રથમ ભાષામાં ધોરણ 10માં રજૂ થયેલ પાઠ 5 “જો ઢોર ફરિયાદ કરે તો “ની ગોષ્ઠિ લેખકશ્રીએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ સાથે કરી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયના બે વિદ્યાર્થી – ઈશાંત કાનાબાર અને આશિષ સોઢાએ દિનકરભાઈની આ કૃતિનું નાટ્ય રૂપાંતરણ, સંવાદ સાથે કર્યું હતું. જેમનું દિનકર ભાઈના હાથે અભિવાદન કરવામાં આવ્યું હતું. આ નાટ્ય રૂપાંતરણની પ્રસ્તુતિ જી.એચ. હાઈસ્કૂલ બોરીવલી (પૂર્વ), આર.સી. પટેલ હાઇસ્કુલ બોરીવલી (પશ્ચિમ), વી. કે. નાથા હાઇસ્કુલ દહિસર (પૂર્વ) અને સ.વ.પ. વિ. વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કરી હતી.

ગુજરાતી ભાષા માટે કાર્યરત સંસ્થા મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતાએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આભારવિધિ શાળાનાં આચાર્ય ડો. સંગીતા શ્રીવાસ્તવે કરી હતી. ગુજરાતી માધ્યમની ઉપસ્થિત રહેલી શાળાના શિક્ષકો અને આચાર્યોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સંપૂર્ણ કાર્યક્રમનું સૂત્ર સંચાલન ટી.પી. ભાટિયા કોલેજના પ્રાધ્યાપક  સમીર ખસનિસ અને શાળાનાં શિક્ષિકા દીપ્તિ રાઠોડે કર્યું હતું.