ઘોઘા-દહેજ ફેરી સર્વિસ ફરી શરુ, કચ્છ- મુંબઈ સુધી આ રીતે લંબાવાશેઃ વિધાનસભામાં CM

0
1534

ગાંધીનગર-ઘોઘા-દહેજ રો- પેક્ષ ફેરી સર્વિસ કચ્છ ઉપરાંત આ રુટ પર મુંબઈ સુધી લંબાવવા માટેનો અહેવાલ તૈયાર થઈ ગયો હોવાનું વિધાનસભા ગૃહમાં જાહેર કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના કામો સંદર્ભના પ્રશ્નની ચર્ચામાં માહિતી આપી હતી કે, ઘોઘા-દહેજ ફેરી સર્વિસ બાદ હવે બીજા તબક્કમાં રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ થઈ રહી છે જેના કારણે મુસાફરોની સાથે સાથે મોટા વાહનોનું કાર્ગો સ્વરૂપે વહન થઈ શકશે. તેમણે ઉમેર્યું હતું કે, ઘોઘો-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસને કચ્છ ઉપરાંત હજીરા -જાફરાબાદ – પીપાવાવથી જરૂર પડ્યે મુંબઈ સુધી લંબાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

આ સંદર્ભે રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, કાર્ગો અને પેસેન્જર પરિવહન માટેની દહેજ-ઘોઘા રો-પેક્ષ સર્વિસના શરૂઆતના તબક્કે આંતરરાષ્ટ્રીય  તજજ્ઞ મે. બેકેટ રેન્કીંગ પાસે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં કુલ પાંચ સ્થળો ઘોઘા-દહેજ, હજીરા, જાફરાબાદ અને પીપાવાવની પસંદગી કરવામાં આવી હતી જેને તબક્કાવાર મુંબઈ સુધી લંબાવવાનો નિર્દેશ પણ આ અહેવાલમાં કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ પ્રથમ તબક્કે માલ-સામાન અને પેસેન્જરની દરિયાઈ માર્ગે હેરફેર કરવા દહેજ-ઘોઘા રો-પેક્ષ ફેરી  સર્વિસ શરૂ કરાઈ છે. મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, દહેજ-ઘોઘા ફેરી સર્વિસને હજીરા સુધી લંબાવવા મે. એસ્સાર બલ્ક ટર્મિનલ લી.ને હજીરા ખાતેની જેટીમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયેથી ફેરી સર્વિસ હજીરા સુધી લંબાવી શકાશે.

દહેજ-ઘોઘા વચ્ચે હવે બીજા તબક્કામાં રો-પેક્ષ ફેરી સર્વિસની શરૂઆત થઈ રહી છે તેની વિગતો આપતા પટેલે જણાવ્યું હતું કે, જૂન-૨૦૧૮ સુધીમાં આ ફેરી સર્વિસનો ૫૪૬૩૯ મુસાફરોએ લાભ લીધો હતો. ચોમાસા દરમિયાન વિષમ પરિસ્થિતિ હોવાથી સલામતીના કારણોસર આ પેસેન્જર ફેરી બંધ કરાઈ હતી. આ યોજનાના બીજા તબક્કામાં  રો-પેક્ષ ફેરી સર્વિસ નવરાત્રીના પવિત્ર દિવસોમાં શરૂ થશે. આ માટે ૫૦૦ મુસાફરોની અને ૬૫ ટ્રકોના સમાવેશની ક્ષમતા ધરાવતું વિશાળકાય જહાજ કોરિયાથી ખરીદ કરાયું છે જેમાં આનુસાંગિક માળખાકીય સુવિધાઓ ઉભી કરીને હાલ ઓખા બંદરે લાંગરવામાં આવ્યું છે. બીજા તબક્કાની આ રો-પેક્ષ સેવાના પ્રારંભીક તબક્કામાં રોજની એક ટ્રીપથી શરૂ કરાશે જેને તબક્કાવાર રોજની ચાર ટ્રીપ સુધી લઈ જવાશે.

આ સમગ્ર પ્રોજેકટ માટે રૂ.૬૧૫ કરોડની વહીવટી મંજૂરી મંળી છે ,સાગરમાલા પ્રોજેકટ અન્વયે કેન્દ્ર સરકાર પાસેથી રૂ. ૧૧૭ કરોડ જેટલી રકમ ગુજરાતને મળી શકશે.  ખંભાતના અખાતમાં વિશ્વની બીજા નંબરની વિષમ પરિસ્થિતિ એવી ૧૧ મીટરની દરિયાઈ ભરતીની વધ-ઘટ અને પ્રચંડ દરિયાઈ કરંટ વચ્ચે ૯૬ મીટર લંબાઈનો લીંક સ્પાન બ્રીજ, ૫૦ x ૩૦ મીટરનું તરતુ પોન્ટુન અને ફેરી વેસલને લાંગરવા માટે ૧૮૦ મીટરનું બર્થીંગ સ્ટ્રકચર બાંધવામાં આવ્યા છે આવી સ્થિતિમાં વિશિષ્ટ ડ્રેજરો દ્વારા ડ્રેજીંગનું કામ કાર્ય કરવું પડે છે, જેના કારણે રો-પેક્ષ સર્વિસના વિશાળકાય વેસલને ન્યૂનત્તમ પાંચ મીટરની દરિયાઈ ઊંડાઈ મળી રહે. ડ્રેજીંગની કામગીરી પૂર્ણ થતાં હવે આ પ્રોજેકટ સપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ સમગ્ર પ્રોજેકટ દરમિયાન ડ્રેજીંગ ઉપરાંત દહેજ-ઘોઘા ખાતે ટર્મિનલ બાંધકામ અને ટર્મિનલ ફેરીનું ખાનગી ધોરણે સંચાલન કરવા જેવા કાર્યોનું સમાયોજન કરાયું છે. જે માટે વિષમ પરિસ્થિતિઓ વચ્ચે હાઈડ્રો ડાયનેમિક પરીક્ષણ તેમજ અન્ય અભ્યાસ બાદ લંડન સ્થિત તજજ્ઞો દ્વારા ૬૧૫ જેટલા નકશા પણ તૈયાર કરાયા હતા.

આ  યોજનાથી ઘોઘો-દહેજ વચ્ચેનું ૩૬૦ કિ.મી.નું અંતર ફક્ત ૩૧ કિ.મી.નું થશે. પરિવહન ખર્ચમાં ઘટાડો થશે. માત્ર દોઢ કલાકમાં દહેજ પહોંચી શકાશે જેથી સમયની બચત થશે અને પ્રદૂષણની માત્રા ઘટશે.

હાઇલાઈટસ

  • કચ્છના અખાતમાં ફેરી સર્વિસ શરૂ કરવા શક્યતાદર્શી અહેવાલ તૈયારઃ કુવાયા-મુન્દ્રા થી બેડી-જામનગર વચ્ચે સંભવિત પથ
  • અત્યાર સુધીમાં પેસેન્જર સર્વિસનો ૫૪૬૩૯ મુસાફરોએ લાભ લીધો
  • ૫૦૦ મુસાફરો અને ૬૫ ટ્રકોની ક્ષમતા સાથેનું રો-પેક્ષ સર્વિસ માટેનું નવું વેસલ કોરિયાથી ગુજરાત આવી પહોંચ્યું
  • સમગ્ર પ્રોજેકટ માટે રૂ.૬૧૫ કરોડની વહિવટી મંજુરીઃ સાગરમાલા પ્રોજેકટ હેઠળ કેન્દ્ર સરકાર આપશે રૂ.૧૧૭ કરોડ
  • ખંભાતના અખાતમાં વિશ્વની બીજા નંબરની વિષમ પરિસ્થિતિ – ૧૧ મી.ની દરિયાઈ ભરતીની વઘ-ઘટ અને પ્રચંડ દરિયાઈ કરંટ વચ્ચે વિશિષ્ટ પ્રકારના ડ્રેજરો દ્વારા ડ્રેજીંગનું કામ પૂર્ણઃ ન્યુનત્તમ પાંચ મીટરની ઊંડાઈ મળી રહેશે.