કોલસેન્ટર દ્વારા ગુજરાતને ટાર્ગેટ કરી બેંક એકાઉન્ટથી રુપિયા ઉડાવતાં 11 આ રહ્યાં, સાયબર ક્રાઈમ દિલ્હીથી લઈ આવી

અમદાવાદ- અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે દિલ્હીના એક કોલ સેન્ટર પર દરોડો પાડીને 6 યુવતી સહિત 11 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓેએ ગુજરાતના અનેક લોકોને છેતર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ કોલ સેન્ટરમાંથી ગુજરાત સહિના અનેક રાજ્યોમાં લોકોને ફોન કરીને છેતરપીંડી કરવામાં આવતી હતી, જેમાં બેક અધિકારી તરીકેની ઓળખ આપીને OTP મેળવી છેતરપીંડી આચરવામાં આવતી હતી. તમામ આરોપીને અમદાવાદ લાવી તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોપીઓ બોગસ કોલ સેન્ટરમાંથી ફોન કરીને લોકોને તેમના ડેબિટ કાર્ડ બ્લોક થઈ જશે ઉપરાંત એકાઊન્ટ બંધ થઈ જશે, એમ કહીને લોકોને વિશ્વાસમાં લઈને કાર્ડનો ઓટીપી નંબર મેળવી લેતા હતાં. ત્યાર બાદ ઓટીપી નબંર મેળવી લોકોના ક્રેડિટ/ડેબિટ કાર્ડ મારફતે પૈસા મેળવીને તેને ઈ વોલેટમાં ટ્રાન્સફર કરતા અને ત્યાર બાદ જૂદા જૂદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી કેશમાં કન્વર્ટ કરતાં હતાં.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સાયબર ક્રાઈમ સેલમાં છેલ્લા ઘણા સમયથી સિનીયર સિટીઝન સહિત અનેક લોકો છેતરાયા હોવાની ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસે તપાસ કરતા જે નંબરો પરથી ભોગ બનનારાઓને ફોન આવતા હતાં તે દિલ્હીના હોવાનું જણાયું હતું. જેને આધારે સાયબર ક્રાઈમની એક ટીમ ગત 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પહોંચી હતી અને રાત્રે દિલ્હીના ઉત્તમનગર વિસ્તારમાં આવેલા કોલ સેન્ટર પર દરોડા પાડયા હતાં.

દરોડા દરમિયાન પોલીસે બોગસ કોલ સેન્ટરમાંથી 6 યુવતી સહિત 11 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ ગુજરાતભરના અનેક લોકોને છેતર્યા હોવાની શંકાને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ કોલ સેન્ટરમાંથી ગુજરાત ઉપરાંત આંન્ધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિના રાજ્યોમાં ફોન કરીને લોકો સાથે છેતરપીંડી કરતા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]