દાદીને અર્જુનની ‘વહુ’ તરીકે પસંદ છે પરિણીતી…

બોલીવૂડમાં પ્રભાવ પાડી રહેલા યુવા અભિનેતાઓમાંનો એક છે, અર્જુન કપૂર. નિર્માતા બોની કપૂરના પુત્ર અર્જુનની નવી ફિલ્મ આવી રહી છે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’, જે ઓક્ટોબરની 19મીએ રિલીઝ થવાની છે.

અર્જુન સાથે આ ફિલ્મમાં ફરી જોવા મળશે પરિણીતી ચોપરા. બંને છ વર્ષ પછી રૂપેરી પડદા પર ફરી સાથે રોમાન્સ કરતા જોવા મળશે. આ પહેલાં બંને જણ ‘ઈશકઝાદે’માં ચમક્યાં હતાં.

સૈફ અલી ખાન અને કરીના કપૂર પરણી ગયા એટલે મિડિયાની ભાષામાં આ જોડી ઓળખાય છે ‘સૈફીના’. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડીને નામ આપ્યું છે ‘વિરુષ્કા’. રણવીર સિંહ અને દીપિકા પદુકોણ ક્યારના ‘પૈણું-પૈણું’ કરી રહ્યા છે અને હવે અર્જુન-પરિણીતીની કેમિસ્ટ્રીથી મિડિયા એવા ઉત્સાહમાં છે કે આ બંને માટે નામ શોધી કાઢ્યું છે – ‘અર્જુનીતિ’.

વિપુલ અમૃતલાલ શાહ નિર્મિત ‘નમસ્તે ઈંગ્લેન્ડ’માં અર્જુનનું પાત્ર જસમીત પરિણીતી (પરમ)નાં ગળાડૂબ પ્રેમમાં છે, એની સાથે લગ્ન પણ કરે છે, પણ પછી એને પુનઃ હાંસલ કરવા એ લંડન જાય છે. એમાં લાગણીભર્યા દ્રશ્યો સર્જાય છે. પતિ એની પત્નીને ભારત પાછી ફરવા અને લગ્નજીવનનું ફરીથી ઘડતર કરવા સમજાવે છે.

‘નમસ્તે ઈંગ્લેન્ડ’નું ટ્રેલર જોઈને અર્જુનના દાદી પરિણીતીથી એટલા બધાં ઈમ્પ્રેસ થઈ ગયા છે કે એમણે પૌત્ર સમક્ષ એવી ઈચ્છા દર્શાવી કે ‘તું આ તારી રીલ લાઈફની વહુને રિયલ લાઈફમાં પણ વહુ બનાવ, કારણ કે તમારા બંનેની જોડી સરસ જામે છે.’ અર્જૂને જ આ જાણકારી આપતા કહ્યું કે, ‘નમસ્તે ઈંગ્લેન્ડ’નું ટ્રેલર જોયા બાદ દાદીએ કહ્યું કે હું મારી બધી સહ-કલાકારોમાં પરિણીતી સાથે સ્ક્રીન પર વધારે સરસ જામું છું. એમનું માનવું છે કે રિયલ લાઈફમાં પણ પરિણીતી મારા માટે પરફેક્ટ કન્યા છે.’

પણ અર્જુન વ્યક્તિગત રીતે કંઈક જુદું જ માને છે.

અર્જુને તાજેતરમાં એના ટ્વિટર પેજ પર એક સેશન રાખ્યું હતું – ‘આસ્કઅર્જુન’. ઘણા ટ્વિટર યુઝર્સે અર્જુનને સવાલો પૂછ્યા હતા, જેમ કે તારા પ્રેરણામૂર્તિ કોણ? તારા ફેવરિટ સિતારા કોણ? વગેરે. એક ચાહકે જ્યારે પૂછ્યું કે ‘બોલીવૂડમાં તારી ફેવરિટ અભિનેત્રી કોણ?’ ત્યારે અર્જુને કહ્યું કે, ‘એમાં બે નામ વચ્ચે ટોસ કરવો પડે. કરીના કપૂર અને અનુષ્કા શર્મા’.

અહીં ઉલ્લેખનીય છે કે, અર્જુને પરિણીતીનું નામ આપ્યું નહોતું.

અર્જુન અને પરિણીતી અમુક બીજી ફિલ્મોમાં પણ સાથે ચમકવાનાં છે.

httpss://youtu.be/JthilAJjjW8

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]