ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાએ ફરી એક વાર ઊથલો માર્યો છે, ત્યારે રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 18 એપ્રિલે યોજાશે. જ્યારે એની મતગણતરી 20 એપ્રિલે હાથ ધરાશે. ગાંધીનગર મહાનગરપાલકાની ચૂંટણી આચારસંહિતાનો આજથી અમલ થશે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પગલાઓ લેવામાં આવશે. આ ચૂંટણીમા કુલ 2.82 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સવારે સાતથી સાંજના છ કલાક સુધી મતદાન થઈ શકશે. ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે. કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે ચૂંટણી યોજવામાં આવશે. આ ચૂંટણી માટે પહેલી એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે અને ત્રીજી એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણી થશે. જ્યારે પાંચ એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. નવા સીમાંકન બાદ પ્રથમ વાર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવશે. શહેરમાં કુલ 284 મતદાન મથકો પર મતદાન યોજવામાં આવશે. શહેરમાં 27 સંવેદનશીલ અને 34 મતદાન મથકો અતિ સંવેદનશીલ મતદાન મથકો છે, જ્યાં પોલીસ બંદોબસ્ત પૂરતો રાખવામાં આવશે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગાંધીનગર મહાનગરપાલિકાની મુદત પાંચ મેએ પૂર્ણ થઈ રહી છે. રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે, જ્યારે કોંગ્રેસ કરુણ રકાસ થયો છે. વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાંય ભાજપે વિજયનો સિલસિલો યથાવત રાખ્યો હતો.