સાયન્સ સિટીમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાઈ

અમદાવાદઃ ‘વિશ્વ ચકલી દિવસ’ પ્રતિ વર્ષ 20 માર્ચએ ઊજવાય છે. વિશ્વમાં ચકલીઓની ઘટતી સંખ્યાને લીધે એને વધુ યાદ કરવામાં આવે છે. પર્યાવરણની સમતુલા જળવાઈ રહે એ માટે ૨૦ માર્ચનો દિવસ ‘ચકલી બચાવો’ અભિયાન તરીકે વિશ્વભરમાં ઊજવવામાં આવે છે. ગુજરાત સાયન્સ સિટી દ્વારા ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી નિમિત્તે ચકલી અને તેના અસ્તિત્વ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વર્ચ્યુઅલ ઉજવણીમાં 2500થી વધુ ઉત્સાહીઓ જોડાયા હતા.

‘વિશ્વ ચકલી દિવસે’ ઘરેલુ ચકલીઓને લુપ્ત થતી બચાવવા માટેની જાગૃતિ લાવવા પ્રયત્નો કરવામાં આવે છે. ‘ચકલી દિવસ’ એ નેચર ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયાની ઇકો સિસ્ટમ એકશન ફાઉન્ડેશન ઓફ ફ્રાંસ સાથેની પહેલ છે. આ સોસાયટીની સ્થાપના પર્યાવરણવાદી મોહનલાલ દિલાવર દ્વારા કરવામાં આવી હતી. જેમને 2008માં ‘હીરોઝ ઓફ ધ એનવાયરમેન્ટ’ (પર્યાવરણના હીરો) તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત એકોલોજી સોસાયટી,વડોદરાના એસોસિએટ એકોલોજિસ્ટ ડો જાગૃતિ રાઠોડે ચકલી અને તેના લુપ્ત થવાનાં કારણો વિશે સવિસ્તર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે જંગલોનો નાશ એ ચકલીઓની વસતિ ઘટાડા માટેનું એક મોટું કારણ છે. હવાનું પ્રદૂષણ, માટીનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ વગેરે પણ ચકલીઓની પ્રજાતિના વસતિ ઘટાડા માટે જવાબદાર છે.

આ સેશનમાં ડો રાઠોડે જણાવ્યું હતું કે ઝાડ અને છોડવા પક્ષીઓના ઘર છે. વૃક્ષારોપણ તેમણે આશરો આપશે. એટલું જ નહીં, પરંતુ ઓક્સિજનના સ્તર અને હરિયાળીમાં પણ વધારો કરશે. ચકલી માટે અનુકૂળ જગ્યાએ માળા મૂકવા, બર્ડ ફીડર રાખવા અને એમને અનુકૂળ વાતાવરણ દ્વારા લુપ્ત થતી ચકલીઓને બચાવવા વિશે જણાવ્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]