અમદાવાદઃ લોકસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે, ત્યારે મતદારોની મતદાન પ્રત્યે જાગૃતિ વધે અને વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણી પંચ અવનવા કાર્યક્રમો પણ કરે છે. જેમાં જુદા-જુદા ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓ દ્વારા માધ્યમો થકી મતદારોને સંદેશ આપવામાં આવે છે. સેલિબ્રિટીઓના સંદેશાની સાથે ચૂંટણી પંચ દરેક મતક્ષેત્રમાં રૂબરૂ પહોંચી મતદાન કેવી રીતે થાય એનું નિદર્શન કરે છે. હાલ લોકસભાની ચૂંટણીઓ પહેલાં અમદાવાદ શહેરની આસપાસ મતદાન જાગૃતિ ઝુંબેશના ભાગરૂપે ‘અવસર’ લખેલી ટ્રક તૈયાર કરી જાહેરમાં નિદર્શન થઈ રહ્યું છે.
શહેરની પાસપોર્ટ ઓફિસ ગુજરાત યુનિવર્સિટી પાસે ચૂંટણી પંચ દ્વારા EVM અને VVPAT નો લાઈવ ડેમો આપવામાં આવ્યો હતો. આ ખાસ તૈયાર કરાયેલા હરતા-ફરતા વાહનમાં નોંધણી અને ચૂંટણીની માહિતી માટે સક્ષમ એપ, કેવાયસી એપ, વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ, વોટર્સ વેબસાઇટ, સી વિજિલ મોબાઈલ એપ જેવી બાબતોનું સચિત્ર નિદર્શન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ અને ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા સરકારી વિભાગોના કર્મચારીઓ દ્વારા EVM અને VVPAT કેવી રીતે કામ કરે છે એની સમજણ અપાઈ રહી છે. EVM & VVPAT નિદર્શન કેન્દ્રમાં મતદાન, ચૂંટણી કાર્ડ અને ચૂંટણી પ્રક્રિયાની જાણકારી માટે મોટી સંખ્યામાં લોકો મુલાકાત પણ લઈ રહ્યા છે.
વોટિંગ મશીન અને ચૂંટણી પ્રક્રિયાને લોકો સુધી પહોંચાડવાની કામગીરીમાં જોડાયેલા કર્મચારી કહે છે. મતદાન એક અવસર છે. જેથી દરેક વિસ્તારના જાહેર સ્થળ જ્યાં સૌથી વધારે લોકોની અવરજવર હોય ત્યાં ચૂંટણી પંચની આ ગાડીઓ ઊભી રાખવામાં આવે છે. મતદારો અને મતદાન માટેની જાગૃતિના અનેક કાર્યક્રમોનું આયોજન દરેક ચૂંટણીમાં કરવામાં આવે છે. જેમાં કેવી રીતે મતદાન કરવું ? વીવીપેટ શું છે ? ઇલેક્શન કાર્ડ મેળવવાની સુધારણાની પ્રક્રિયા શું? આ તમામ બાબતો છે, પણ આ વખતે ચૂંટણી સાથે સંકળાયેલા સરકારી વિભાગો મતદાર જાગૃતિ ઝુંબેશ અને નિદર્શનમાં અથાગ મહેનત કરે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પાસે નિદર્શન કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે દરેક વિધાનસભા વિસ્તારમાં EVM & VVPATનું નિદર્શન કરે છે. આગામી ચૂંટણી સાથે જોડાયેલા કર્મચારીઓ રાહદારીઓ અને વાહનચાલકોને ઊભા રાખી મતદાન વિશે માહિતગાર કરે છે.
આ વખતે લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થાય એ માટે સરકારે મહિનાઓ પહેલાં જ પ્રચાર અને પ્રસારનાં માધ્યમોને સક્રિય કરી દીધાં છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)