અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ રાજકીય પક્ષોના વડાઓની મુલાકાત વધી રહી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આજે રાજકોટમાં આવશે. કેજરીવાલ બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે છે. તેઓ 25મીએ હિમાચલથી ચાર્ટડ પ્લેનમાં સીધા રાજકોટ એરપોર્ટ આવશે. તેઓ એરપોર્ટ પરથી ચાર્ટડ પ્લેનમાં જ કેશોદ જવા રવાના થશે. જ્યાંથી તેઓ રોડમાર્ગે સોમનાથ જશે અને ત્યાં રાત્રિરોકાણ કરશે. એ પછી તેઓ સોમનાથનાં દર્શને જશે. જે પછી તેઓ બપોરે ઉદ્યોગકારો અને વેપારીઓને મળશે.
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ કેજરીવાલે હમણાં સુરતની મુલાકાત લીધી હતી અને તેમણે આગામી ચૂંટણીમાં આપ પાર્ટી જીતશે તો મતદારોને રીઝવવા માટે પ્રતિ મહિને પરિવારદીઠ 300 વીજ યુનિટ મફત આપવાનું વચન આપ્યું હતું. જોકે આ વખતે તેઓ રાજ્યની જનતાને કે સૌરાષ્ટ્રવાસીઓને રીઝવવા માટે ચૂંટણીલક્ષી કયા વચનો આપે છે એ જોવું રહ્યું.
બીજી બાજુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28-29 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. PM મોદી 28 અને 29 જુલાઈ દરમિયાન કચ્છથી લઇને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાશે. તેઓ ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં હાજરી આપશે.