ગાંધીનગર: ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની વિશેષ બેઠક મુખ્ય સચિવ એમ.કે.દાસના અધ્યક્ષ સ્થાને યોજાઈ. ભારત સરકારના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની કચેરી દ્વારા આયોજિત વસતી ગણતરી-૨૦૨૭ના પ્રથમ તબક્કાની તૈયારીઓ અંતર્ગત આ બેઠક યોજાઈ હતી.
મુખ્ય સચિવ એમ.કે.દાસે જણાવ્યું, “વસતી ગણતરી-૨૦૨૭ ચોકસાઈ, પારદર્શિતા અને ડિજીટલ ગવર્નન્સમાં બેન્ચમાર્ક સ્થાપિત કરશે. ભારતની વસતી ગણતરી દેશનો સૌથી મોટો અને મહત્વનો વહીવટી કાર્યક્રમ છે. વર્ષ ૨૦૨૭ની વસતી ગણતરી અત્યંત મહત્વની છે કારણકે દરેક નીતિ નિર્ણય માટે આ આંકડા આપણા રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે જરૂરી બનશે. રાજ્યના શહેરી વિસ્તારોમાં વસતી ઝડપથી વધી રહી હોવાના કારણે આગામી વિકાસલક્ષી કાર્યોમાં આ વસતીના આંકડા પાયારૂપ સાબિત થશે. અગાઉ આ પ્રક્રિયામાં ૩ થી ૪ વર્ષ લાગતા હતા એવી ગણતરીમાં ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ થવાથી આ પ્રક્રિયાને વેગ મળશે.”
ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસતી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું, “ભારતમાં પ્રથમ સમકાલીન વસતી ગણતરી વર્ષ ૧૮૮૧માં યોજાઈ હતી અને ત્યારબાદ વર્ષ ૨૦૧૧ સુધી પ્રતિ દસ વર્ષે વસતી ગણતરી અવિરત ચાલી આવી છે. તેમણે વસતી ગણતરીની વ્યૂહરચના, રોડમેપ, કામગીરીઓ અને ડિજિટલ પાસાઓ પર વિગતે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, વસતી ગણતરીની સફળતા જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોના સક્રિય નેતૃત્વ, સમર્થન અને સતત નિરીક્ષણ પર નિર્ભર છે. તેથી, આ કાર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તેમણે સૌ અધિકારીઓને સૂચન કર્યું હતું.”
મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું, “આ વખતે રજિસ્ટ્રાર જનરલની કચેરી દ્વારા સમગ્ર દેશ માટે અનેક નવીન પહેલો કરવામાં આવી છે. ટેક્નોલૉજીનો વ્યાપક ઉપયોગ કરીને વસતી ગણતરીનું કાર્ય હાથ ધરવામાં આવશે. જે વાસ્તવિક સમયમાં પારદર્શિતા લાવશે અને ડેટાનું વિવિધ રીતે વિશ્લેષણ સરળ બનાવશે.”
ગુજરાતના વસતી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું, “વસતી ગણતરીની કામગીરીએ વિશ્વની સૌથી મોટી અને જટિલ વહીવટી કામગીરીઓમાંની એક કામગીરી છે, જે ભારતની સંસ્થાકીય મજબૂતી દર્શાવે છે. આગામી ૨૦૨૭ની વસતી ગણતરી વધુ વિશેષ એટલા માટે છે કે, તે ડેટા-આધારિત અને ટેક્નોલોજી-સુસજ્જિત શાસનના યુગમાં થઈ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.”
આ બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ આર્દ્રા અગ્રવાલે આ કાર્યક્રમની સજ્જતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત, ગુજરાતના વસતી ગણતરી નિયામકની કચેરી દ્વારા વિવિધ વહીવટી અને તકનીકી પાસાઓ પર વિગતવાર પ્રેસન્ટેશન સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ૨૦૨૭ની વસતી ગણતરી બે તબક્કામાં યોજાશે જેમાં પહેલા તબક્કામાં ઘર યાદી અને આવાસ ગણતરી (House Listing & Housing Census) થશે જ્યારે બીજા તબક્કામાં વસતી ગણતરી (Population Enumeration) હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં HLOની કામગીરી આગામી એપ્રિલ-મે વર્ષ ૨૦૨૬ દરમિયાન શરૂ થશે, જેમાં નાગરિકોને ઓનલાઈન સ્વ-માહિતી ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.




