કૃષિ કાયદાઓના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના ધરણા

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓની વિરુદ્ધ દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશના નેતાઓએ સંગઠન પ્રભારી રાજીવ સાતવની આગેવાની હેઠળ ગાંધીનગરમાં સત્યાગ્રહના સ્તરે ધરણા કર્યા છે અને કેન્દ્રીય કૃષિ કાયદાઓની જોગવાઈઓને નાબૂદ કરવામાં આવે એવી માંગણી કરી છે. કોંગ્રેસના નેતાઓએ ખેડૂત સંગઠનોએ એલાન કરેલા 8 ડિસેમ્બરના ‘ભારત બંધ’માં જોડાવાની લોકોને અપીલ કરી છે.

ખેડૂતોના અધિકારોની રક્ષા માટે કોંગ્રેસ પાર્ટીએ આજે સત્યાગ્રહનું આયોજન કર્યું હતું. કેન્દ્ર સરકારે આ કાયદા દ્વારા ખેડૂતો પર વજ્રાઘાત કર્યો છે એવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે ભાજપ સરકાર ત્રણ કૃષિ કાયદા હિટલરશાહી ઢબે લાવી છે. આમ કરીને તેણે ખેડૂતોની પીઠ પર ઘા કર્યો છે, કારણ કે તેનાથી એમને કોઈ ફાયદો નહીં થાય. આ કાયદાઓથી દેશના અર્થતંત્રને નુકસાન પણ પહોંચ્યું છે. ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનને વિશ્વના તમામ દેશો સમર્થન આપી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર ખેડૂતોને સબસિડી આપવા માગતી  નથી. ખેડૂતોને સસ્તા ભાવે સિંચાઈ માટે પાણી પણ નહીં મળે અને કેન્દ્ર સરકારે ખેડૂતોનું શોષણ કરવાનો કારસો રચ્યો છે. આ કાયદાઓથી તો દેશમાં ખેડૂતો ખતમ થઈ જશે.