ગાંધીનગરઃ રાજ્યમાં બે-ત્રણ મહિનામાં ચૂંટણી યોજાવાની છે, જેને જીતવા માટે રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે ડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે પક્ષોના દાવપેચ શરૂ થઈ ગયા છે. કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે, જેમાં કોંગ્રેસે NCPને 10 બેઠક ફાળવી છે. જેથી NCP સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડે એવી શક્યતા છે.
NCP નેતા જયંત બોસ્કીએ આ ગઠબંધન વિશે કહ્યું હતું કે હાલ NCP અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણી મુદ્દે મીટિંગ થઈ હતી, જેમાં NCPએ 10 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી દાખવી છે. જો કે આ અંગે વાતચીત પ્રાથમિક તબક્કે છે, જેથી આગામી સમયમાં બંને પક્ષો વધુ વાતચીતનો દોર કરીને અન્ય બાબતો નક્કી કરશે. વળી, આમાં પક્ષોના વડા સાથે પણ વિચારવિમર્શ કરવામાં આવશે અને એ પછી બધું નક્કી કરવામાં આવશે.
રાજ્યમાં 2017માં NCPએ કુતિયાણા વિધાનસભા બેઠક પર જીત મેળવી હતી. વિધાનસભા 2022 ચૂંટણીમાં NCPએ મહારાષ્ટ્રની રીતથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.
બીજી બાજુ હાલમાં જ આમ આદમી પાર્ટી અને BTP વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું છે. બંને પક્ષોએ સામસામા આક્ષેપો-પ્રતિઆક્ષેપો કર્યા હતા. કેજરીવાલ અને છોટુ વસાવાએ મે મહિનામાં ગઠબંધનની જાહેરાત કરી હતી, પણ એ ગઠબંધ ચૂંટણી આવે ત્યાં સુધીમાં તૂટી ગયું હતું.