PM મોદી નવરાત્રિમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવે એવી વકી

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી આવતી જાય છે, તેમ-તેમ દરેક પક્ષનું ટોચનું નેતૃત્વ રાજ્યની મુલાકાતે આવી રહ્યું છે. વડા પ્રધાન અને ગૃહપ્રધાનનું ગુજરાત હોમ સ્ટેટ છે, એટલે રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. કેમ કે આગામી 2024ની લોકસભાની ચૂંટણીનો દારોમદાર રાજ્યની ચૂંટણીનાં પરિણામો પર પણ થોડા ઘણા અંશે નિર્ભર છે. વડા પ્રધાન મોદી પાંચ દિવસ ગુજરાતની મુલાકાત લેવાના છે, જ્યારે ગૃહપ્રધાન અમિત શાહ એક દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે.

વડા પ્રધાન મોદી રાજ્યમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ આ પાંચ દિવસમાં 12થી વધુ જાહેર સભાને સંબોધવાના છે.  તેઓ અમદાવાદને મેટ્રો ટેનની ભેટ આપશે. એટલે કે તેઓ મેટ્રો ટ્રેનનો નવરાત્રીના દિવસોમાં શુભારંભ કરાવશે. તેઓ થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનને પાંચમા નોરતાએ લીલી ઝંડી બતાવે એવી વકી છે. વડા પ્રધાન હેલ્મેટ સર્કલ પાસેથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. ત્યાર બાદ તેઓ દૂરદર્શન પાસેના ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધશે.  તેઓ મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરે એવી પણ શક્યતા છે.

વડા પ્રધાન મેટ્રો ટ્રેનના ઉદઘાટન પછી રાજ્યની જનતાને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. આ માટે તેઓ મોડાસા, સુરત, ભાવનગર અને અંબાજીની મુલાકાત લેશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ રાજ્યની બે દિવસની મુલાકાતે આવવાના છે. તેઓ રાજકોટમાં જનસભાને સંબોધશે. તેઓ રાજકોટમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે મહા સંમેલન પણ કરશે.