ધર્મસત્તા, રાજસત્તાનું મિલન એ સમાજ માટે લાભદાયીઃ CM

અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં ઊજવાતા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવે ગુજરાત રાજ્ય માનનીય મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કચ્છી લેઉઆ પટેલ સમાજની અધ્યતન મલ્ટિસ્પેશિયલિટી હોસ્પિટલ માટે રૂ. 3 કરોડનો ચેક દાન પેટે અપર્ણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રાજ્યના માનનીય મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સાચા સત્સંગના લીધે સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર હંમેશાં રચનાત્મક કાર્યો કરી રહી છે. સ્વધર્મ, સ્વસંસ્કૃત, સ્વરાષ્ટ્રની અસ્મિતા એ આપણી વિરાસત જાળવી રાખી છે. શ્રી સ્વામિનારાયણ સંસ્થાનનો કલા સંસ્કૃતિ, શિક્ષણ, સમાજ નિર્માણ માટે મોટો ફાળો રહ્યો છે. ધર્મસત્તા અને રાજસત્તાનું મિલન એ સમાજ માટે લાભદાયી છે.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ સંસ્થાન મણિનગરના પરમ પૂજ્ય આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે પ્રાસંગિક આશીર્વચનમાં જણાવ્યું હતું કે ગુરુદેવ  મુક્તજીવન સ્વામીબાપાએ જે પરંપરા સ્થાપી જે ‘સમાજનું સમાજને સમર્પિત’ એ ન્યાયે હરિભક્તો તરફથી મળેલા દાન શ્રી સ્વામિનારાયણ ગાદી સંગ્રહ કરવામાં માનતી નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાને જે બોધપાઠ આપ્યો છે જે સર્વજીવ હિતાવહ એ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગરની આગવી ઓળખ છે.

આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે આજે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સુવર્ણ મહોત્સવે આપ સહભાગી બની શ્રી ઘનશ્યામ પ્રભુના દિવ્ય દર્શન કરી આપને દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આપ જે પદ ઉપર છો ત્યાંથી સમાજની સારી સેવા કરો અને ગુજરાત રાજ્યનો સર્વાંગી વિકાસ કરો.

આ પ્રસંગે  સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકી, મણિનગરના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ અને અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ અને પૂર્વ મેયર  અસિત વોરા સહિત મોટી સંખ્યામાં સંતો અને સતસંગી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.