બે દિવસના ‘મિશન ગુજરાત’ પર ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા

અમદાવાદઃ ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા 20 અને 21 સપ્ટેમ્બરે-બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. તેઓ અહીં ભાજપના સ્થાનિક નેતાઓને મળશે અને કેટલીક જાહેર સભાઓમાં ભાગ લેશે. તેઓ અહીં નમો કિસાન પંચાયતની ઈ-બાઇક કાર્યક્રમને લોન્ચ કરશે. ત્યાર બાદ તેઓ ગાંધીનગરની હોટેલ લીલામાં મેયર સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશાધ્યક્ષ પણ ઉપસ્થિત રહેશે. આ સમિટ બુધવાર સુધી ચાલશે. આ સંમેલનમાં ભાજપ શાસિત શહેરી એકમના મેયર અને ડેપ્યુટી મેયર ભાગ લેશે.

રાજ્યમાં ડિસેમ્બર સુધી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેના ભાગરૂપે તેમની આ બેઠક સૂચક છે. ત્યાર બાદ નડ્ડા બપોરે રાજકોટ જવા રવાના થશે અને ત્યાં તેઓ કોર્પોરેશનના સભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલર્સ અને કો-ઓપરેટિવ સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના એક મોટા સંમેલનને સંબોધિત કરશે. સાંજે પાંચ કલાકે તેઓ મોરબીમાં એક ભવ્ય રોડ-શો કરશે. ત્યાર બાદ તેઓ ગાંધીનગરમાં વીરાંજલિ કાર્યક્રમમાં ભાગ લેશે.

બુધવારે નડ્ડા કમલમમાં પ્રદેશ ભાજપના પદાધિકારીઓ અને પ્રદેશ ભાજપના મોરચાના અધ્યક્ષોની સાથે બેઠક યોજશે. ત્યાર પછી તેઓ રાજ્યના લોકસભા અને રાજ્યસભાના બધા સાંસદોની સાથે બેઠક યોજશે. એ પછી તેઓ અમદાવાદમાં ટાગોર હોલમાં પ્રોફેસર્સ સમિટને સંબોધિત કરશે. ત્યાર બાદ નડ્ડા મેયરોના સંમેલના સમાપન કાર્યક્રમમાં પણ હાજરી આપશે, એમ પ્રદેશ ભાજપના મહા સચિવ પ્રદીપ વાઘેલાએ જણાવ્યું હતું.