‘‘હર ઘર તિરંગા’’ની ઉજવણી સારુ ચિત્ર, રંગોળી સ્પર્ધાનું આયોજન

અમદાવાદઃ કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ આઉટરિચ પ્રોગ્રામ અંતર્ગત ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર રિજિયોનલ સેન્ટર,વડોદરા સાંસ્કૃતિક મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ‘‘હર ઘર તિરંગા’’ની ઉજવણી સારુ ચિત્ર અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.સરકારી પ્રાથમિક શાળા સેક્ટર-૦૨માં ચિત્ર સ્પર્ધામાં અને સેક્ટર-૦૮માં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને શાળામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ચિત્ર સ્પર્ધામાં વિવિધ સ્વાતંત્ર્યસેનાનીઓની મુખાકૃતિની અને આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને બાળકોએ ખૂબ સુંદર ચિત્રો બનાવ્યાં હતાં. ચિત્ર સ્પર્ધામાં જજ તરીકે મનોજભાઈ જોષી તથા દીક્ષિતાબહેન જોષીએ સાત બાળકોનાં ખૂબ જ સુંદર ચિત્રોને ઇનામને પાત્ર ઠેરવતા ગાંધીનગર મનપા વોર્ડ -૧૦ના કોર્પોરેટર મહેન્દ્રભાઈ પટેલને હસ્તે ઇનામો આપવામાં આવ્યાં હતા. આ ચિત્ર સ્પર્ધામાં નિશા, યુવરાજ, જય, કાવ્યા, રોશની, શ્વેતા અને ધનરાજને ઇનામો આપવામાં આવ્યાં હતાં.

અહીં રંગોળી સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ ‘હર ઘર તિરંગા’ની થીમને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની ખૂબ સુંદર મૌલિક રંગોળીઓ બનાવી હતી. નિફટના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠા પ્રસાદ, આદિત્ય કૌશલ, રિદ્ધિ બિસ્વાસ, ઇશિતા સિંહ,દર્શન સોનાવણે, વૈષ્ણવી ગાંધી, રોશની કુમારી, ઇશા આહિરવાડીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કામને ધ્યાનમાં રાખીને વૈવિધ્યસભર આકર્ષક રંગોળી બનાવીને પોતાની કળાની ઓળખ આપી હતી. રંગોળી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે આશાબહેન સરવૈયા, નીલેશભાઈ સિદ્ધપુરા અને સંજયભાઈ થોરાટે સેવા આપી હતી. આ સ્પર્ધામાં સુંદર રંગોળી બનાવનાર સાત બાળકોને ગાંધીનગરના જાણીતા ધારાશાત્રી, નોટરી, સ્પે. પીપી અને કટાર લેખક અશ્વિનભાઈ ત્રિવેદી તથા મહાનુભાવોને હસ્તે વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. રંગોળી સ્પર્ધામાં શિફા, વૈશાલી, અનામિકા, દશરથ, કાજલ, જાનકી અને ઉમેશને ઇનામો આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉદગમના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયૂરભાઈ જોષીએ સ્વાગત પ્રવચનમાં ‘હર ઘર તિરંગા’ આઉટરિચ પ્રોગ્રામ વિશેની માહિતી આપી હતી. ત્યાર બાદ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.