અમદાવાદઃ 26 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરુ થઇ રહ્યું છે. ગુજરાત રાજ્યનું વર્ષ 2020-21નું અંદાજપત્ર 26 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રજૂ કરશે. આ બજેટસત્ર 40 દિવસ ચાલશે. બજેટસત્રમાં 27 વખત બેઠક મળશે.
આવતી કાલથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સરકારને વિવિધ મુદ્દે ભીંસમાં લેવા માટે વિરોધપક્ષે રણનીતિ ઘડી કાઢી છે. ખાસ કરીને એલઆરડી ભરતી પ્રક્રિયાના વિવાદ અને અનામતના પરીપત્રના મુદ્દે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા વિવિધ સમાજના આંદોલનોને લક્ષમાં રાખીને વિપક્ષ વિધાનસભામાં આક્રમક મૂડ અપનાવે તેવી શક્યતાઓ છે.
ચાલીસ દિવસ સુધી ચાલનારા વિધાનસભા બજેટસત્રમાં અલગ-અલગ માંગણી ઉપર ચર્ચા-સુધારા વિધેયક અને પૂરક માંગણી તથા નવા કાયદા ઉપર બંને પક્ષે મંથન કરવામાં આવશે, જોકે બજેટસત્ર દરમ્યાન કોંગ્રેસ આક્રમક બનશે અને પાક વીમા, બેરોજગારી, દલિત અત્યાચાર તેમજ વિદ્યાર્થીઓના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વ હેઠળ આજે સાંજે ગાંધીનગરમાં ધારાસભ્યોની બેઠક બોલાવાઇ છે. વિધાનસભાની બજેટ બેઠકમાં વિવિધ વિભાગને લગતા આશરે 5000 પ્રશ્ન કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવ્યા છે. નેતાની ઓફિસ દ્વારા તમામ પ્રશ્ન લગતી માહિતી અલગ-અલગ તારવાઇ છે.