અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ભાજપનું મુખ્ય કાર્યાલય ‘કમલમ’ કોરોના વાઈરસ રોગચાળાનું હબ બની ગયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોના સંક્રમિત થયા છે. પાટીલને ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વળી, પાટીલ આજે જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળ્યા હતા. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના સંક્રમિત થયા છે. તેમને અમદાવાદની યુ.એન. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રદેશ ભાજપ કાર્યાલયમાં વધુ છ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેથી ભાજપ પ્રદેશપ્રમુખના કાર્યક્રમમાં જોડાયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સી.આર. પાટીલનો કોરોના એન્ટિજન ટેસ્ટ નેગેટિવ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કોરોના એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે RT-PCRનો રિપોર્ટ પેન્ડિંગ છે. આ અંગે તેમણે ખુદ માહિતી આપી હતી. તેઓ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના પ્રવાસે હતા. અનેક નેતાઓના સંપર્કમાં આવ્યા હતા.
મારી તબિયત સારી છે. મારો એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. RT-PCRનો રિપોર્ટ પેન્ડીંગ છે. અત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ છું.
— C R Paatil (@CRPaatil) September 8, 2020
સૌરાષ્ટ્રમાં ચાર દિવસ રેલી, ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસનો કાર્યક્રમ
ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા બાદ પાટીલ લોક સંપર્ક માટે ચાર દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેઓ લાખો કાર્યકરોને મળ્યા હતા. આ પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા કોરોના રોગચાળાની સરકારી ગાઇડલાઇનનું પાલન ન થયું નહોતું. પાટીલની સભાઓમાં હાજરી આપનારા કેટલાક ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. સૌરાષ્ટ્રની રેલી બાદ ભાજપના અનેક નેતાઓ સંક્રમણનો ભોગ બન્યા હતા. તેમણે ત્યાર બાદ ઉત્તર ગુજરાતનો ત્રણ દિવસનો પ્રવાસ કર્યો હતો.
પાટીલ આજે જ મુખ્ય પ્રધાનને મળ્યા હતા
સી.આર. પાટીલે મુખ્ય પ્રધાન સાથે આજે જ મુલાકાત કરી હતી. એટલે હવે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ હોમ ક્વોરોન્ટિન થવું પડશે.
પાટીલ પર માછલાં ધોવાયાં
સી.આર. પાટીલની રેલીનો આ પહેલાં વિપક્ષના નેતાઓ વિરોધ કરી ચૂક્યા છે. વિપક્ષે પણ પાટીલના પ્રવાસ પર તીખા પ્રહારો કર્યા હતા. કોરોના રોગચાળામાં પણ પાટીલ દ્વારા સભાઓ યોજવામાં આવી હતી. ત્યાર બાદ સોશિયલ મિડિયામાં પણ સી.આર પાટીલની રેલીઓના ફોટો ખૂબ જ વાયરલ થયા હતા. કેટલાક યુઝર્સ આ રેલીઓને અટકાવવાની પણ માગ કરતા હતા.
ભાજપ અન્ય સભ્યો પણ કોરોના પોઝિટવ
પ્રદેશ કાર્યાલયના મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાનાં કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા. તેમ જ બે સફાઈ કર્મચારીઓ અને તેને લાવનાર ડ્રાઇવર એમ તમામ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કમલમમાં કોરોનાનો વ્યાપ વધતાં કાર્યાલયની બહાર રીબિનવાળા બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે.
ઉત્તર ગુજરાત પ્રવાસ સમયે ભરત પંડ્યા સતત સક્રિય
તેમણે કોરોના વિજય રથમાં ભાગ લીધો હતો. ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસ સમયે ભરત પંડ્યા સતત સક્રિય જોવા મળ્યા. તેઓ સમગ્ર પ્રવાસમાં પાટીલની સાથે હતા. તેઓ અનેક લોકોના સંપર્કમાં પણ આવ્યા હતા. એટલું જ નહીં, પ્રદેશ મહામંત્રી ભિખુ દલસાણિયા અને કે. સી. પટેલ સતત ભરત પંડ્યાની કારમાં જ પ્રવાસ કરતા જોવા મળ્યા. સી.આર. પાટીલના પ્રવાસ દરમિયાન સામાજિક અંતરનો ભંગ થતો જોવા મળ્યો હતો. તેમાં સક્રિય કામગીરી કરતા દેખાયેલા ભરત પંડ્યા સાથે સંપર્કમાં આવનારા અનેક આગેવાનો અને કાર્યકરોએ ક્વોરન્ટાઈન થવું પડે તેવી સ્થિતિ છે.
કાર્યાલય મંત્રીનો આખો પરિવાર કોરોનાગ્રસ્ત
ભાજપ કાર્યાલય કમલમમાં કોરોનાનો પગપેસારો મોટા પાયે જોવા મળ્યો છે. કાર્યાલય મંત્રી પરેશ પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમનાં પત્ની અને પુત્ર પણ કોરોના પોઝિટિવ બન્યા છે. ભાજપ કાર્યાલયમાં તાજેતરમાં પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી. જેને પગલે સંક્રમણ વધ્યું હોય તેવી શક્યતા છે.
ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ કોરોનાની ચપેટમાં
ભાજપ અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો, કોર્પોરેટરો અને નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. તાજેતરમાં વડોદરામાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા પણ કોરોનાને પરાસ્ત કરી ચૂક્યા છે. અમદાવાદ પશ્ચિમના સંસદસભ્ય બાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનાં પત્નીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. હસમુખ પટેલ હોમ આઇસોલેટ થયા છે. હસમુખ પટેલ સોમવારે કોરોના વિજય રથ પ્રસ્થાનના ઉદઘાટનમાં ગયા હતા.
ભાજપ કાર્યાલયમાં કોરોનાનું સંક્રમણ
ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ કોરોના કેન્દ્ર જેવું બની રહ્યું છે. કમલમમાં જ કોરોનાના કેસ આવવા લાગતાં અંતે ભાજપપ્રમુખ દ્વારા કાર્યકરોને કામ સિવાય કમલમ ખાતે ન આવવાની સૂચના આપવામાં આવી છે.