AMCનો નિર્ણયઃ હવે સોસાયટી, કોલોનીમાં કોવિડ કોઓર્ડિનેટર રાખવો ફરજિયાત

અમદાવાદઃ દેશભરમાં કોરોના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ચાર વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ શહેરમાં હવે કોરોના રોગચાળો વધુ ન વકરે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્ત્વનો નિર્ણય લીધો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એપિડેમિક ડિસીઝ એક્ટ, 1897 હેઠળ કોવિડ-19ને અટકાવવા માટે અને નિયંત્રણમાં લેવા માટે નિયમો ઘડી કાઢ્યા છે, જે નીચે મુજબ છે.

દરેક રહેણાક કોલોની, સોસાયટીઓ, ફ્લેટસ વગેરેના સેક્રેટરી, ચેરમેન, ઓર્ગેનાઇઝર, મેનેજર, વગેરેને કોવિડ કોર્ડિનેટર અથવા કોવિડ અન્ય કોઈની નિયુક્ત કરવા અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને તેની જાણ કરવા માટે ફરજિયાત બનાવી છે.

કોવિડ કોર્ડિનેટરની ભૂમિકા અને જવાબદારીઓ…

  • તેમની રેસિડેન્સિયલ કોલોની, સોસાયટીઓ, ફ્લેટ્સ વગેરેમાં માસ્ક અને સામાજિક અંતરના સહિતના નિયમો અને સમયાંતરે જારી કરવામાં આવતા પ્રોટોકોલનો કડક અમલ કરવાનો રહેશે.
  • એ ખાતરી કરવાની રહેશે કે હોમ ક્વોરોન્ટાઇનવાળી વ્યક્તિઓએ નિયમોનું સખતાઈથી પાલન કરવાનું રહેશે અને જોકોઈ આ વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઇનના નિયમોનું ઉલ્લંઘન કરીને ઘરેથી બહાર નીકળે તો કોઓર્ડિનેટરે એની જાણ અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનને રિપોર્ટ કરવાનો રહેશે.
  • આ ઉપરાંત કોઓર્ડિનેટરે એ ખાતરી કરવાની રહેશે કે 1, ઘરની બધી વ્યક્તિઓએ અથવા મુલાકાતીઓએ તેમના ગેટમાં પ્રવેશ અને બહાર જતી વખતે ફેસ માસ્ક પહેરેલો હોવો જોઈએ. 2. તેમણે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરેલી છે. 3. એન્ટ્રી પોઇન્ટે થર્મલ સ્ક્રીનિંગ થયા પછી જ અંદર આવવાની મંજૂરી, 4 હાથની સફાઈ (સેનિટાઇઝેશન)ની સુવિધાનો ઉપયોગ કરવાનો રહેશે.
  • કોઈ પણ વ્યક્તિને તાવ, ખાંસી કે ગળામાં ખારાશ હોય વગેરે… જેવાં લક્ષણો હશે તો પ્રવેશ- બહાર જવાની મંજૂરી નહીં. કોવિડ કોઓર્ડિનેટરની જવાબદારી હશે કે એ નજીકના અર્બન હેલ્થ સેન્ટરને અને AMCની 104 સેવાઓને જાણ કરે. જો વ્યક્તિ પોઝિટિવ આવે તો તેણે રિપોર્ટિંગ કરવાનું રહેશે.
  • બધા પોઝિટિવ કેસોના મામલે પાછલા 14 દિવસના સંપર્ક ટ્રેસિંગ અને સંબંધિત ઝોનના વોર્ડના અસિસ્ટન્ટ કમિશનરને રિપોર્ટ મોકલવો પડશે.
  • પાછલા 14 દિવસમાં આવેલા પોઝિટિવ કેસોને મામલે સંપર્કમાં આવેલાં નામ, મોબાઇલ નંબર અને સરનામાની વિગતો 48 કલાકની અંદર બનાવીને મોકલવાની રહેશે.

આ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે     

ચાર વ્યક્તિઓને ફરી કોરોના પોઝિટિવ

રાજ્યમાં ચાર વ્યક્તિઓને ફરી કોરોના પોઝિટિવ આવ્યો છે, જેમાં અમદાવાદના દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડની મહિલા અને અન્ય ત્રણ ગુજરાતની અલગ-અલગ હોસ્પિટલના ડોક્ટર્સને ફરી વાર કોરોના થયો છે.  આ તમામ લોકોને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. ત્યારે તેઓ કોરોનાને માત આપીને બહાર આવ્યા હતા.