BAPS “કાર્યકર સુવર્ણ મહોત્સવ”ની થશે ભવ્ય ઉજવણી

7 ડિસેમ્બર (શનિવારે) અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવશે. જેને લઇને હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

એક લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન

વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં ભાગ લેશે, અત્યાર સુધીમાં 1 લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન થઇ ગયું છે. બી.એ.પી.એસ.ના વડા મહંત સ્વામી મહારાજ, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ક્રિક્રેટનું ગ્રાઉન્ડ બનશે પ્રસ્તુતિ મંચ

1 ડિસેમ્બરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યક્રમ માટેની તૈયારીઓમાં BAPS સંસ્થાનાં સંતો અને સ્વયંસેવકો જોડાયા છે. ત્યારે 7 ડિસેમ્બરે યોજાનાર BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં આખું ક્રિક્રેટનું ગ્રાઉન્ડ જ પ્રસ્તુતિ મંચ બનશે. જેમાં ભાગ લેવા માટે ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવા, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. બી.એ.પી.એસ.ના સારંગપુર (બોટાદ), રાયસણ અને શાહીબાગ ખાતે છેલ્લાં બે મહિનાઓથી તૈયારી ચાલી રહી છે.

અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન

ભારતમાં સૌ પ્રથમવાર આ કાર્યક્રમમાં એક લાખ કાર્યકરો એલઈડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે. જ્યારે સ્ટેડિયમમાં અત્યાર સુધીની સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે. જે  ભારતમાં સૌ પ્રથમવાર રજૂ થશે. બીએપીએસ દ્વારા 1972માં કાર્યકર માટેનો અલગ વિભાગ તૈયાર કરાયો હતો. એ સમયે કાર્યકરોની સંખ્યા માત્ર 11 હતી, જેમાં 8 ભારતના અને 3 વિદેશના કાર્યકરો હતા. આજે આ કાર્યકરોની સંખ્યા લાખોમાં છે. જેના 50 વર્ષ પૂર્ણ થતાં કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

દરેક પ્રસ્તુતિમાં છે હકારાત્મક મેસેજ

સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ, 30 પ્રોજેક્ટરની મદદથી પર્ફોમન્સ આપશે. સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનલોજીની મદદથી ફ્રુટની પ્રતિકૃતિ પણ તૈયાર થશે. આ દરેક પ્રસ્તુતિ  હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે. આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવ્યો છે. 3 ડિસેમ્બરે સાંજ 5:00 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચાલનાર આ કાર્યક્રમમાં 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરવામાં આવશે. જેમાં 1500થી વધુ બાળકો વિશેષ રજૂઆતો કરશે.

કાર્યકરો બીએપીએસના કરોડરજ્જુ સમાન

આ વિશે બીએપીએસના સાધુ બ્રહ્યવિહારી સ્વામીએ કહે છે કે, “કાર્યકરો બીએપીએસના કરોડરજ્જુ સમાન છે. ત્યારે તેમનું અભિવાદન કરાશે. જેમાં બીએપીએસ ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં એક લાખ જેટલા રજીસ્ટર્ડ કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ કાર્યકરોએ માત્ર બીએસપીએસના ઉત્સવ કે અન્ય પ્રસંગ જ નહી પણ દેશ કે વિદેશમાં આવેલી મોટી આપત્તિમાં રાત દિવસ જોયા વિના સેવા આપી છે. જેથી એમને સન્માનવાનો આ અવસર છે. જેની ઉજવણી સૌથી આધુનિક ટેકનોલોજીની મદદથી થશે. જેમાં દરેક કાર્યકરોને એલઇડી સ્ટીક આપવામાં આવી છે. આ સ્ટીકની મદદથી તમામ સ્ટેડિયમમાં અલગ અલગ થીમથી પર્ફોમન્સ કરશે.”

બીએસપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી માટે ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજન માટે 15 હજાર સ્વંયસેવકોની ટીમ સતત કામ કરી રહી છે. જેમાં સ્ટેડિયમને ક્લીન કરવા માટે માત્ર પાંચ ટકા પાણીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને  સ્ટેડિયમની એક  લાખ જેટલી સીટ સાફ કરવામાં આવી હતી.

કાર્યક્રમની પ્રસ્તુતિ મુખ્ય ત્રણ થીમ દ્ધારા વ્યક્ત કરાશે

બીજ: છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને એના પોષણની રજૂઆત આ વિભાગમાં થશે.

વટવૃક્ષ: એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થશે.

ફળ: આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, એની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં માણવા મળશે.

‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની પૂર્વતૈયારીઓ

  • છેલ્લા ત્રણ મહિનાથી કુલ 33 જેટલા સેવાવિભાગો અને 10,000 જેટલા સ્વયંસેવકો સેવારત.
  • સ્ટેડિયમમાં ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ આયોજન.
  • કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવા, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે.
  • આશરે 75,000 જેટલાં કાર્યકરો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર સ્ટેડિયમમાં બપોરે 1 વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે.

આ કાર્યક્રમમાં એક અદ્ભૂત તકનીકનો ઉપયોગ કરાયો છે. જ્યારે બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ સ્ટેડિયમમાં પ્રવેશ કરશે ત્યારે રસ્તા પર પાથરેલી ગુલાબની પાંખડીઓ ટેકનોલોજીની મદદથી ગોલ્ડન રંગમાં કન્વર્ટ થશે.