અદાણી ગ્રુપ પાંચ વર્ષમાં રૂ. બે લાખ કરોડનું મૂડીરોકાણ કરશેઃ ગૌતમ અદાણી

ગાંધીનગરઃ વડા પ્રધાન મોદીએ મહાત્મા મંદિરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્ય મંત્રી સહિત દેશના કોર્પોરેટ જગતના વડા અને વિદેશના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ હાજર હતા. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વાઇબ્રન્ટ સમિટને સંબોધન કરતાં જણાવ્યું હતું કે મને દરેક શિખર સંમેલનનો ભાગ બનવા બદલ ગર્વ થઈ રહ્યો છે.

વડા પ્રધાનનો વાઇબ્રન્ટ ગુજરાત પ્રત્યેનો દ્રષ્ટિકોણ અદભુત છે. છેલ્લા દાયકામાં ભૌગોલિક સંઘર્ષો અને કોરોના રોગચાળાના પડકારો છતાં દેશની GDP 185 ટકા વધી છે અને વ્યક્તિદીઠ આવક 165 ટકા વધી છે. વળી, આંતરરાષ્ટ્રીય ફલક પર તમારી સફળતા નોંધનીય છે. ગ્લોબલ સાઉથને G20માં જોડવાનો તમારો નિર્ણય ઐતિહાસિક ક્ષણ હતી. તમારા નેતૃત્વ હેઠળ ભારત ઝડપથી વિકાસ કરતું રાષ્ટ્ર બન્યું છે અને એને વસુધૈવ કુટુંબકમ અને વિશ્વ ગુરુ તરીકે સ્થાપિત કર્યું છે. તમે વિકસિત ભારતના નિર્માણનો પાયો નાખ્યો છે અને 2047 સુધી પૂર્ણ વિકસિત બનાવવા માટે દેશના યુવાઓનો તમારી દૂરંદેશિતા કાબિલેદાદ છે,

અદાણી ગ્રુપે પાછલી સમિટમાં 2025 સુધીમાં રૂ. 55,000 કરોડના મૂડીરોકાણની જાહેરાત કરી હતી, જે અમે પહેલેથી જ પાર કરી ચૂક્યા છે. મેં વિવિધ ક્ષેત્રોમાં રૂ. 50,000 કરોડના મૂડીરોકાણની અને 25,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું લક્ષ્ય અમે પૂરું કરી ચૂક્યા છે. અમે કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરી રહ્યા છે, જે 725 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે અને 30 GW રિન્યુએબલ એનર્જી પેદા કરશે. અમે આત્મનિર્ભર ભારત માટે ગ્રીન સપ્લાય ચેનનું વિસ્તરણ કરી રહ્યા છીએ.

અદાણી ગ્રુપ આગામી પાંચ વર્ષોમાં રાજ્યમાં રૂ. બે લાખ કરોડનું મૂડીરોકાણ કરશે, જેના થકી એક લાખથી વધુ પ્રત્યક્ષ કે પરોક્ષ નોકરીઓ પેદા થશે. હું વિકસિત ગુજરાતમાં મારું યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છું, એમ તેમણે જણાવ્યું હતું.