આધુનિક ભારતના ગ્રોથનું ગુજરાત પ્રવેશદ્વાર છેઃ મુકેશ અંબાણી

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીના હસ્તે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદઘાટન થયું હતું. આ વખતે સમિટની થીમ ગેટવે ટુ ફ્યુચર છે. આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કર્યું હતું.  જેમાં તેમણે કહ્યું હતું કે ‘मोदी है तो मुमकिन है’ પર વિશ્વાસ બનેલો છે. આધુનિક ભારતના ગ્રોથમાં ગુજરાત પ્રવેશદ્વાર છે. ગુજરાત મારા માટે કર્મભૂમિ અને માતૃભૂમિ છે. રિલાયન્સ દેશમાં રૂ. 12 લાખ કરોડનું મૂડીરોકાણ કરશે.

તેમણે ગુજરાતની એક વાક્ય બોલતાં કહ્યું હતું કે હું ગુજરાતી હોવાનો મને ગર્વ છે. મુકેશ અંબાણીએ પોતાના દિવગંત પિતાને યાદ કરતા જણાવ્યું હતું કે તેમના પિતા નાનપણમાં કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભૂમિ રહેશે. વડા પ્રધાન મોદી વિશે તેમણે કહ્યું કે પીએમ મોદી, ભારતના ઇતિહાસમાં સૌથી સફળ પીએમ છે અને તેઓ જે વિઝન કરે છે તેનું અમલીકરણ કરે છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગુજરાતમાં રિલાયન્સના ભવિષ્યના પ્લાન વિશે જણાવતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે મને ગુજરાતી હોવાનું અભિમાન છે. આ સાથે તેમણે કહ્યું કે અમે ગુજરાતના વિકાસ માટે તત્પર રહીશું.

ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે આગામી 10 વર્ષ સુધી રિલાયન્સ પોતાના તમામ પ્રયાસો કરશે. અમે ગુજરાતને ગ્રીન ગ્રોથમાં ગ્લોબલ લીડર્સ બનાવીશું. ગુજરાતની કુલ ઊર્જા જરૂરિયાતોના 50 ટકા વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીથી પ્રાપ્ત કરવાના લક્ષ્યાંકને મેળવવા માટે અમે મદદરૂપ થઈશું. આ માટે અમે જામગનરમાં 5000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ બનાવવાનું શરૂ કરી દીધું છે. જે ખૂબ જ મોટા પાયે રોજગાર પણ ઊભો કરશે અને ગુજરાતને વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જીમાં લીડર બનાવશે.

આજે ગુજરાત પૂર્ણ રીતે 5જી ઇનેબલ્ડ રાજ્ય છે. જે દુનિયામાં ઘણા દેશોમાં પણ આજે ઉપલબ્ધ નથી. જેનાથી ગુજરાત વિશ્વનું ડેટા સેન્ટર બનશે. ટેક્નોલોજીનો આ વિકાસ ગુજરાતમાં IT અને AI રિલેટેડ નોકરીઓનું સર્જન કરશે. જેનાથી ગુજરાતમાં AI અને બલ્ડ ડોક્ટર, AI અને ખેતી જેવા ક્ષેત્રમાં ગુજરાત પ્રગતિ કરશે.

, રિલાયન્સ રિટેલ ગુજરાતમાં લોકોને વધુ સારામાં સારી પ્રોડક્ટ આપવા સાથે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોના ઉચ્ચતમ ક્વોલિટી લાઇફ આપવા માટે પ્રતિબદ્ધ છે. દેશમાં 2036 ઓલિમ્પિક યોજાય તે માટે રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં તેના અનેક પાર્ટનર સાથે મળીને રમતગમત ક્ષેત્રે ચેમ્પિયન્સને તૈયાર કરીશું અને રાજ્યમાં રમતગમતના વિકાસ પર ફોકસ આપીશું, એમ તેમણે કહ્યું હતું.