ભારત વિશ્વનાં ત્રણ અર્થતંત્રોમાં સામેલ થશેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સામેલ થવા આવેલા તમામ દેશોનો આભાર માન્યો હતો. અમે લક્ષ્ય રાખ્યું છે કે જ્યારે ભારત સ્વતંત્રતાનાં 100 વર્ષની ઉજવણી કરશે, ત્યાં સુધી એ વિકાસશીલ નહીં, બલકે એક વિકસિત દેશ હશે. એટલા માટે આ દેશ માટે 25 વર્ષનો કાર્યકાળ અમૃત કાળ છે, એમ તેમણે કહ્યું હતું.

 આ નવા સપના નવા સંકલ્પ અને નિત્ય નૂતન સિદ્ધિઓનો કાળ છે. આ અમૃત કાળમાં સૌપ્રથમ વાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું મહત્વ ઓર વધી ગયું છે. આ સમિટમાં આવેલા 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભારતની વિકાસ યાત્રાના મહત્ત્વના સહયોગી છે. હું તમારા બધાનું સ્વાગત કરું છું. આથી થોડાં વર્ષો પૂર્વે ભારત વિશ્વની પાંચમા ક્રમનું અર્થતંત્ર હતું, પરંતુ આવનારા દિવસોમાં હવે ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે અને એ મોદીની ગેરન્ટી છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે  ભારત-UAE વચ્ચે મહત્વના MOU થયા છે. ભારત-આફ્રિકા વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. ભારતનું દરેક ક્ષેત્ર પર ફોકસ રહ્યું છે. G-20 સમિટમાં આફ્રિકન યુનિયનને સદસ્યતા છે. દેશ દરેક ક્ષેત્રમાં તેજીથી વિકાસ કરી રહ્યો છે. આ સમિટે નવા આઈડિયાને પ્લેટફોર્મ આપ્યું છે. ગ્લોબલ ફ્યુચર માટે ભારતે દુનિયાને રોડમેપ આપ્યો છે. વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચરનો સિદ્ધાંત આવશ્યક છે. ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધ્યું છે. વિશ્વ કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને ભારતનો પ્રયાસ છે. વિશ્વ કલ્યાણ માટે ભારતનો પ્રયાસ વિશ્વને સમૃદ્ધ બનાવે છે.

UAEના રાષ્ટ્રપતિ બિન જૈદનું આ આયોજનમાં સામેલ થવું અમારા માટે બહુ ખુશીની વાત છે. વાઇબ્રન્ટ ગુજરાતની આ સમિટમાં તેમનું મુખ્ય અતિથિ તરીકે હોવું એ ભારત અને UAEના આત્મીય સંબંધોનું પ્રતીક છે. ભારત અને UAEએ ફૂડ પાર્ક માટે, રિન્યુએબલ રિસોર્સ માટે કેટલાય સમજૂતી કરાર કર્યા છે.