ગુજરાતમાં અતિ-ભારે વરસાદની આગાહીઃ NDRFની ટૂકડીઓ તૈનાત

અમદાવાદઃ ગુજરાતના સમુદ્રકાંઠાના પટ્ટાવિસ્તાર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) દ્વારા તેના જવાનો, બચાવ કામદારોની છ ટૂકડીઓને રાજ્યના અનેક ભાગોમાં તહેનાત કરી છે.

એનડીઆરએફની છઠ્ઠી બટાલિયનના નાયબ કમાન્ડન્ટ અનુપમે કહ્યું છે કે, આણંદ, નવસારી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ત્રણ ટૂકડી બચાવ કામગીરી હાથ ધરી રહી છે. જ્યારે રાજકોટમાં ત્રણ, ગાંધીનગરમાં બે તથા સુરત અને બનાસકાંઠા જિલ્લાઓમાં એક-એક ટૂકડીને મોકલવામાં આવી છે. રાજસ્થાનમાં ત્રણ ટૂકડીને તૈનાત કરાઈ છે, જેઓ ઉદયપુર, કોટા અને કિશનગઢમાં બચાવ કામગીરી કરશે.

હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતમાં સુરત અને નવસારી જેવા દક્ષિણી જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના જૂનાગઢમાં આજથી લઈને પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, કચ્છ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

એનડીઆરએફની ટૂકડીના જવાનોને આજે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કઠોલ ગામમાંથી એક મૃતદેહ મળ્યો હતો. ગયા ગુરુવારની રાતે પડેલા ભારે વરસાદમાં બે જણ પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી લાપતા થયા હતા.