ઈન્ડીગોની અનેક-ફ્લાઈટ્સ મોડી પડી; નિયામકે જવાબ માગ્યો

નવી દિલ્હીઃ ક્રૂ સભ્યોની અનુપ્લબ્ધિને કારણે ઈન્ડીગો એરલાઈનની અનેક ફ્લાઈટ્સ દેશભરમાં મોડી પડી છે. દેશના એવિએશન ક્ષેત્રની નિયામક સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ આની ગંભીર નોંધ લીધી છે અને દેશવ્યાપી સ્તરે ફ્લાઈટ્સના આટલા બધા વિલંબ પાછળના કારણો જણાવવાનો ઈન્ડીગો પાસે ખુલાસો માગ્યો છે.

ઈન્ડીગો ભારતની સૌથી મોટી એરલાઈન છે. તે હાલ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે દરરોજ 1,600 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. શનિવારે ઈન્ડીગોની માત્ર 45 ટકા ફ્લાઈટ્સ જ સમયસર સેવા આપી શકી હતી. એની સરખામણીમાં, એર ઈન્ડિયા, સ્પાઈસજેટ, વિસ્તારા, ગો ફર્સ્ટ અને એર એશિયા ઈન્ડિયાનો ઓન-ટાઈમ દેખાવ અનુક્રમે 77.1 ટકા, 80.4 ટકા, 86.3 ટકા, 88 ટકા અને 92.3 ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા અમુક મહિનાઓથી ઈન્ડીગોમાં વેતન-કાપને કારણે ક્રૂ સભ્યોમાં અસંતોષ પ્રવર્તે છે. ઓમિક્રોન ચેપના ફેલાવાને કારણે દેશમાં વિમાનસેવાને માઠી અસર પડી છે તેમજ ઈંધણના ભાવ પણ વધી જતાં એરલાઈન્સને વિમાનભાડાં વધારવાની ફરજ પડી છે.