દક્ષિણી અભિનેત્રી સામન્થાએ કરણ જોહરની ઝાટકણી કાઢી

મુંબઈઃ તેલુગુ અને તામિલ ફિલ્મોની અભિનેત્રી સામન્થા રુથ પ્રભુએ બોલીવુડ નિર્માતા કરણ જોહરની એ મુદ્દે ઝાટકણી કાઢી છે કે તેઓ એમની ફિલ્મોમાં લગ્નોને સાવ અવાસ્તવિક રીતે દર્શાવે છે. સામન્થાએ જોહરની આ ઝાટકણી જોહરના સેલિબ્રિટી ટોક-શો ‘કોફી વિથ કરન’ની સાતમી આવૃત્તિમાં મહેમાન તરીકે ઉપસ્થિત થઈને કાઢી છે. આ એપિસોડ કઈ તારીખે રજૂ થશે એ હજી જાહેર કરાયું નથી, પરંતુ એના ટ્રેલરમાં સામન્થાને જોહરને સંભળાવતી જોઈ શકાય છે.

હિન્દી વેબસીરિઝ ‘ધ ફેમિલી મેન-2’ના પહેલા એપિસોડમાં સામન્થા ઉપસ્થિત થઈ હતી અને એમાં તેણે કરણ જોહરની ફિલ્મોમાં દર્શાવાતા લગ્નોનો વિષય ઉઠાવ્યો હતો. એણે કહ્યું કે, ‘દુઃખી લગ્નો માટેનું કારણ તમે જ છો. તમે તમારી ફિલ્મોમાં સાવ અવાસ્તવિક લગ્નો બતાવો છો. તમે જિંદગીને K3G – કભી ખુશી કભી ગમ તરીકે દર્શાવી છે, જ્યારે વાસ્તવમાં, જિંદગી KGF છે.’ સામન્થા અને જોહર વચ્ચેનો આ રમૂજી સંવાદ હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.