લારાએ બુમરાહને અભિનંદન આપ્યા

એજબેસ્ટનઃ વેસ્ટ ઈન્ડિઝના દંતકથા સમાન બેટર બ્રાયન લારાએ ટેસ્ટ મેચના દાવની એક જ ઓવરમાં સૌથી વધારે રન કરવાના પોતાના વિશ્વવિક્રમને તોડવા બદલ ભારતના ટેસ્ટ સુકાની જસપ્રિત બુમરાહને અભિનંદન આપ્યા છે. લારાએ કહ્યું કે બુમરાહે મેળવેલી સિદ્ધિથી પોતે ખુશ થયા છે.

લારાએ ટ્વીટ કરીને બુમરાહને અભિનંદન આપ્યા હતા. એમણે લખ્યું છેઃ ‘ટેસ્ટ ક્રિકેટમાં એક જ ઓવરમાં સૌથી વધારે રન ફટકારવાનો વિક્રમ તોડવા બદલ યુવાન જસપ્રિત બુમરાહને અભિનંદન આપવામાં મારી સાથે જોડાવ. વેલ ડન.’

અહીં ઈંગ્લેન્ડ સામે રમાતી પુનર્નિધારિત પાંચમી ટેસ્ટ મેચમાં ગઈ કાલે બીજા દિવસની રમતમાં ભારતના પહેલા દાવમાં ફાસ્ટ બોલર અને 10મા ક્રમે બેટિંગ કરવા આવેલા બુમરાહે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 29 રન ફટકાર્યા હતા. તે ઓવરમાં બ્રોડે એક વાઈડ-બોલ અને એક નો-બોલ સહિત કુલ 8 બોલ ફેંક્યા હતા અને કુલ 35 રન આપ્યા હતા. આ સાથે, ટેસ્ટ મેચના દાવમાં એક જ ઓવરમાં સૌથી વધારે રન આપવાનો બ્રોડે વિશ્વવિક્રમ કર્યો છે. બ્રાયન લારાએ 2003માં જોહનિસબર્ગ ટેસ્ટ મેચમાં રોબિન પીટરસનની ઓવરમાં 28 રન ફટકાર્યા હતા. લારાના આ વિક્રમ અન્ય બે બેટર પણ સહભાગી હતા – ઓસ્ટ્રેલિયાનો ગ્રેહામ બેઈલી અને વેસ્ટ ઈન્ડિઝનો કેશવ મહારાજ. બેઈલીએ 2013માં પર્થ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનની ઓવરમાં અને મહારાજે 2020માં પોર્ટ એલિઝાબેથ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના જૉ રૂટની ઓવરમાં 28 રન ફટકાર્યા હતા.

બુમરાહ ગઈ કાલે 16 બોલમાં કુલ 31 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ભારતનો પહેલો દાવ 84.5 ઓવરમાં 416 રનમાં પૂરો થયો હતો. વિકેટકીપર અને વાઈસ-કેપ્ટન રિષભ પંતે 146 અને ડાબોડી સ્પિનર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 104 રન કર્યા હતા.