રાજ્યમાં મેઘારાજા જમાવટ લીધી છે. ત્યારે આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગે સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. આગાહી પ્રમાણે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાય શકે છે. તો બીજી બાજું માછીમારોને દરિયો ન ખેડવા પણ અપિલ કરવામાં આવી છે. બીજી તરફ ગઈકાલે રાજ્યના દક્ષિણભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત, નવસારી, વલસાડ સહિતમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે પણ નવસારીમાં હાલ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ
આજે સવારે જાફરાબાદના દરિયા કાંઠે ભારે કરંટ જોવા મળ્યો હતો. રાજ્યમાં આજે સવારે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સોથી વધુ ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ડાંગ, સાપુતારા વિસ્તારમાં ઝરણા અને ધોધ વહેતા થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી જોવા મળી રહી છે.દક્ષિણ ગુજરાતમાં સતત બે દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સામાન્યથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે નવસારીના રસ્તા પર ખાડા પડેલા જોવા મળ્યા. ઉલ્લેખનીય છે ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાની દયનિય હાલતથી તંત્રની પ્રિમોન્સુન કામગીર પર સવાલ ઊભા થઈ રહ્યા છે. આજે સવારે નવસારી ઉપરાંત ધરમપુર શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો. સવારે 2 કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 16 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ધરમપુરમાં 25 MM, ગણદેવીમાં 18 MM, પારડીમાં 16 MM અને વાઘઈમાં 11 MM સહિત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ વરસ્યો છે. નવસારીમાં 2.58 ઈંચ, જલાલપોરમાં 2.16 ઈંચ, ગણદેવીમાં 1.87 ઈંચ, ચીખલીમાં 2.95 ઈંચ, ખેરગામમાં 4.62 ઈંચ, વાંસદામાં 4.75 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો એવરેજ 22.62 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 30.21 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 14.98 ટકા વરસાદ નોંધાયો છે.