ચાંગા: ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)નો 13મો પદવીદાન સમારોહ છઠ્ઠી જાન્યુઆરી, 2024એ કેમ્પસમાં યોજાયો હતો. આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા વિભાગોના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રઘાન ઉપસ્થિત રહ્યા હતા.
આ પદવીદાન સમારોહમાં કુલ 2728 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 44 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 23 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓ હતા. જ્યારે કુલ 44 તેજસ્વી વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત થઇ હતી.
યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાર્મસીના 158, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 323, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 304, ફેકલ્ટી ઓફ સાયન્સના 297, ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં કુલ 516, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ છ વિદ્યાશાખાઓના 1130 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી, જેમાં ડિપ્લોમા 34, પોસ્ટ ગ્રેજ્યુએટ 628, અંડર ગ્રેજયુએટ 2021 અને પીએચ. ડી. 44 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.
ચારુસેટ યુનિવર્સિટીના સન 2012માં આયોજિત પ્રથમ પદવીદાન સમારંભથી તેજસ્વી વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં કુલ 13 પદવીદાન સમારંભમાં 400 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. આ પદવીદાન સમારોહમાં શુદ્ધ સુવર્ણના 44 ગોલ્ડમેડલ આપવામાં આવ્યા હતા. ચારુસેટના રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મુખ્ય અતિથિ ધર્મેન્દ્ર પ્રધાન, ચારુસેટ અને ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ તેમ જ સમારોહ અધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, કેળવણી મંડળના માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ નગીનભાઈ પટેલ,ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમ જ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો જોડાયા હતા. આ સમારોહમાં દ્વિતીય તબક્કામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને મંચ પરથી જ મહેમાનોને હસ્તે વાલીઓ અને અધ્યાપકોની હાજરીમાં પદવીઓ એનાયત કરવામાં આવી હતી.