ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય, જાણો ક્યાં પડશે ભારે વરસાદ!

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અનેક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતા ભારે થી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 8 જુલાઈથી 14 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાંક ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આજની આગાહી અનુસાર, રાજ્યમાં મધ્ય ગુજરાતના બે જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના 6 જિલ્લા તથા દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી આપતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો ઉત્તર ગુજરાતના તમામ 6 જિલ્લા, મધ્ય ગુજરાતના 6 જિલ્લા,દક્ષિણનો 1 જિલ્લો તથા સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 23 ટકાથી વધુ પડી ગયો છે, જોકે જૂનમાં 15 ટકા જેટલી ઘટ નોંધાઈ હતી, પરંતુ જુલાઈમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે.